આજે બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ છે. મતદાન માટે શરૂઆતથી જ ભીડ જામી હતી. ચૂંટણીમાં વડોદરા શહેરના જાણીતા ડોક્ટર દર્શન બેંકર અને પૂર્વ ક્રિકેટર કિરણ મોરે વચ્ચે ટક્કર થઈ રહી છે. જો કે દર્શન બેંકરના સપોર્ટમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ વિકેટ કિપર નયન મોંગિયા પણ ઉતર્યા છે. હાઇકોર્ટમાં પિટિશન કરનારા રામચંદ્ર પ્રજાપતિ મીડિયાના સવાલથી મુઠ્ઠીઓ વાળી ભાગ્યા હતા.
વડોદરાના મહારાજા સમરજિતસિંહ ગાયકવાડના રોયલ ગ્રુપે સત્યમેવ જયતે ગ્રુપ સાથે ગઠબંધન કર્યું છે અને તેઓ રિવાઈવલ ગ્રૂપ સામે ચૂંટણી લડી રહ્યા છે. સાંજના 6 વાગ્યા સુધી મતદાન થશે, પરંતુ હાઇકોર્ટના આદેશને પગલે આજે મતગણતરી નહીં થાય, 17 તારીખે કોર્ટમાં સુનાવણી બાદ મતગણતરી ક્યારે થશે, એની તારીખ નક્કી થશે. મતદાન સ્થળ પર રિવાઈવલ ગ્રૂપ દ્વારા રિવાઇવલ 31ના નારા લગાવવામાં આવ્યા હતા, જ્યારે રોયલ સત્યમેવ જયતે ગ્રુપ દ્વારા વોટ ફોર રોયલ સત્યમેવ જયતેના નારા લગાવવામાં આવ્યા હતા.
મતદાન દરમિયાન રામ બાગ ખાતે ચૂંટણી મતદાન મથક બહાર એક મતદારની તબિયત બગડી હતી. જેને પગલે તેને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. આ મતદાર તરસાલીમાં રહેતા સિનિયર સિટીઝન રાજુ ભાઈ વૈદ્ય હોવાનું સામે આવ્યું છે.
તમે હાઈકોર્ટમાં કેસ કેમ કર્યો? તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે, સોરી, એ બાબતે કોઈ જવાબ નહીં આપું. મને કોઈએ કેસ કરવા માટે નથી કીધું. મેં મારી જાતે જ કેસ કર્યો છે.
તમને કોઈએ આ કેસ કરવા માટે ‘સોપારી’ આપી હતી? તેવા સવાલના જવાબમાં તેઓએ જણાવ્યું હતું કે, મને કોઈએ સોપારી આપી નથી, મેં મારા હિત માટે જ કેસ કર્યો છે.
માટલાની દુકાન ચલાવનાર મોંઘા વકીલો કેવી રીતે રોકી શકે? તમે સામાન્ય માણસ છો, માટલાની નાની દુકાન ચલાવો છો. તો પછી આટલા મોંઘા વકીલો તમે કેવી રીતે રોક્યા? તમને ફંડિંગ ક્યાંથી મળ્યું? શું કોઈએ તમને ફંડ આપ્યું છે?, જવાબ આપો, (કોઈ પણ જવાબ આપ્યા વગર ત્યાંથી નીકળી જાય છે અને ભાગવા માંડે છે).ત્યાર બાદ મીડિયા કર્મીઓ તેમની પાછળ જાય છે પણ તેઓ પાછું વળવાનું નામ લેતા નથી.
રિવાઈવલ ગ્રૂપના પ્રમુખ પદના ઉમેદવાર કિરણ મોરે એ જણાવ્યું હતું કે, આજનો માહોલ ખૂબ જ સરસ છે. હું તમામ સભ્યોનો આભાર માનવા માંગુ છું કે તેઓ આટલી મોટી સંખ્યામાં મતદાન કરવા અને પોતાનો નિર્ણય આપવા માટે આવ્યા છે. તે ખરેખર ખૂબ જ સારી વાત છે. કોઈપણ સંસ્થામાં સભ્યોનો વિશ્વાસ જીતવો સૌથી મહત્વનો હોય છે. સભ્યો જાણે છે કે અમારા ગ્રુપ ‘રિવાઈવલ 31’ એ ભૂતકાળમાં કેવું કામ કર્યું છે. તેમના વિશ્વાસને કારણે જ આજે આટલી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. આજે ભારત-પાકિસ્તાન મેચ છે અને મને પૂરો વિશ્વાસ છે કે ભારતનો જ વિજય થશે. આ ટી-20 ફોર્મેટ છે અને આપણું પલ્લું ચોક્કસપણે ભારે છે. મને ખાતરી છે કે ભારતીય ટીમ આજની જીત સાથે આગળ વધશે.
રોયલ સત્યમેવ જયતે ગ્રુપના પ્રમુખ પદના ઉમેદવાર ડૉ દર્શન બેંકર એ જણાવ્યું હતું કે, સૌ પ્રથમ તો બધા જ ઉમેદવારોને મારી શુભેચ્છાઓ. હું તમામ મતદારોને વિનંતી કરું છું કે તમે વહેલી તકે આવો અને તમારો કિંમતી વોટ આપો. જલ્દી આવો અને વોટ કરો. અમારી જીત પાકી છે. આ વખતે પરિવર્તન આવવાનું છે. પુનરાવર્તન નહીં, પણ પરિવર્તન આવશે.
રિવાઈવલ ગ્રૂપના અગ્રણી પ્રણવ અમીને જણાવ્યું હતું કે, અમે હંમેશા સકારાત્મકતા પર જ કામ કર્યું છે અને એ આજે દેખાય પણ છે. અમને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. અમારા બધા જ સભ્યો અહીં વોટ આપવા આવ્યા છે. આ પ્રક્રિયા આખો દિવસ ચાલશે અને અમને પૂરો વિશ્વાસ છે કે અમે જ જીતીશું. થોડી ખેંચતાણ તો અહીં થતી રહેશે, પણ બાકી અમને પૂરો વિશ્વાસ છે. મતદારો અમારી સાથે છે, તેમનો સપોર્ટ પણ અમારી સાથે જ છે, એટલે મને નથી લાગતું કે જીતવામાં કોઈ વાંધો આવે.
રીવાઇવલ ગ્રુપના ઉમેદવાર તેજલ અમીને જણાવ્યું હતું કે, : મને 100% જીતની આશા છે. ‘રિવાઈવલ 31’ ની આખેઆખી પેનલ ખૂબ જ સારી રીતે જીતી જશે. પ્રણવ અમીન અને તેમની ટીમે અત્યાર સુધી આ સ્ટેડિયમ બનાવ્યું છે અને ઘણી બધી ઈન્ટરનેશનલ મેચો લાવીને વડોદરાના ક્રિકેટને જે નેશનલ લેવલ પર સ્થાન અપાવ્યું છે, તેને હવે આપણે કિરણ મોરેના નેતૃત્વમાં આગળ લઈ જવાનું છે. અમારામાં ખૂબ જ ઉત્સાહ છે. અમે જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે અને હવે જે નવા વચનો છે તે ક્રિકેટ માટે, ક્રિકેટરો માટે અને મેમ્બર્સ માટે છે. ઘણી બધી નવી સુવિધાઓ ઊભી થઈ રહી છે અને ફેરફારો આવી રહ્યા છે. અમે વડોદરાના ક્રિકેટને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર ચોક્કસપણે આગળ લઈ જઈશું. ‘ટીમ રિવાઈવલ 31’ આપેલા તમામ વચનો પૂરા કરશે.
પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ જણાવ્યું હતું કે, હું ઘણો ઉત્સાહિત છું. પુનરાવર્તન કે પરિવર્તન? તમને શું દેખાઈ રહ્યું છે? તેવા સવાલના જવાબમાં તેઓએ કહ્યું હતું કે, એ તો મેમ્બર્સ નક્કી કરશે.
બરોડા ક્રિકેટ એસોસિયેશનની આજની ચૂંટણી અંગે હાઈકોર્ટે મહત્ત્વનો વચગાળાનો આદેશ જારી કર્યો હતો. જસ્ટિસ નિરલ આર.મહેતાએ ચુકાદો આપ્યો હતો કે, મતદાન પ્રક્રિયા નિર્ધારિત આયોજન મુજબ આગળ વધી શકે છે. કોર્ટે તેમની પૂર્વ પરવાનગી વિના મતોની ગણતરી અને પરિણામો જાહેર કરવા પર સખત મનાઈ ફરમાવી છે. અરજદારોએ 4 પદના ઉમેદવારોનું નામાંકન સુપ્રીમના આદેશ હેઠળ પડકાર્યું હતું. સાથે વાંધા અરજી ગણકારાઈ નહીં અને કુલિંગ-ઓફ પિરિયડના મુદ્દે અરજી કરી હતી. આ કાનૂની જંગ બીસીએના સભ્યોએ હાઇકોર્ટમાં પડકાર્યો છે.
બીસીએ દ્વારા દલીલ કરાઈ કે, એક ખાનગી ટ્રસ્ટ હોવાથી તે કલમ 226 હેઠળ રિટ અધિકાર ક્ષેત્રને આધીન ન હોવું જોઈએ. જોકે હાઈકોર્ટે આ વાંધાને ફગાવી દીધો હતો અને બીસીસીઆઈની સાથે સામ્યતા દર્શાવી હતી. કોર્ટે ઠેરવ્યું હતું કે, બીસીએ તેના કાર્યક્ષેત્રમાં ક્રિકેટ પર વ્યાપક નિયંત્રણ ધરાવે છે, જે રમત વ્યાપક જનહિત ધરાવે છે, તેથી તે કોર્ટને જવાબદાર છે. ન્યાયિક પ્રક્રિયા નિરર્થક ન બને તે સુનિશ્ચિત કરવા હાઈકોર્ટે ચૂંટણી અધિકારીને તમામ બેલેટ પેપર સુરક્ષિત રાખવા અને પ્રક્રિયાની ગુપ્તતા જાળવવા નિર્દેશ આપ્યો છે. આ મામલે 17 ફેબ્રુઆરીના રોજ સુનાવણી નિર્ધારિત કરાઈ છે.