BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક લાખ હરિભક્તો નું સન્માન

By: nationgujarat
07 Dec, 2024

BAPS Karyakar Suvarna Mahotsav Live : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજવામાં આવ્યો છે. ત્યારે આ મહોત્સવમાં ગુજરાત, સહિત અન્ય રાજ્યો અને વિદેશથી 1 લાખથી વધુ કાર્યકરો અમદાવાદના સ્ટેડિયમમાં હાજર રહ્યા છે. ત્યારે મહંત સ્વામી મહારાજ સૌ કાર્યકરોને આશીર્વાદ આપવા માટે સ્ટેડિયમમાં પધાર્યા છે. સ્ટેડિયમમાં સંગીત અને નૃત્યના વિવિધ કાર્યક્રમથી કાર્યકર સુવર્ણ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.

બ્રહ્મવિહારી સ્વામીએ પ્રવચન દરમિયાન કહ્યું કે, ‘ભારત પાકિસ્તાનની મેચ બાદ બીજીવાર સ્ટેડિયમ આખુ ભરાઈ ગયું છે. મેચમાં તો એક ટીમ જીતે અને એક હારે ત્યારે એક તરફ દુખ હોય બીજી તરફ ખુશી હોય, બે પ્રકારની સ્થિતિ હોય છે. પરંતુ આ સ્ટેડિયમમાં આ વખતે ચારે તરફ ખુશી, ઉત્સાહ અને આનંદ છે. આ BAPSની ટીમ છે જે એક જ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ‘BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવમાં ઉપસ્થિત સ્વામી-મહંતો, મંત્રી, હરિભક્તો સૌને મારા નમસ્કાર, જય સ્વામી નારાયણ… પ્રમુખ સ્વામી મહારાજના 103મા જન્મજયંતિ પ્રસંગે આપણે સૌ એકત્રિત થયા છીએ. આ દિવ્ય અવસરે મને ઉપસ્થિત રહેવાની તકે મળી એ મારું સૌભાગ્ય છે. સમગ્ર વિશ્વને પ્રેમ, કરુણાનો સંદેશ આપનાર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની સ્મરણવંદના કરું છું. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજાએ સંસ્કારોનું વૃક્ષ વાવ્યું. મને લાગે છે કે, આ કાર્યક્રમ સુવર્ણ કાર્યકરોનો સુવર્ણ મહોત્સવ છે.

એક નાના બીજમાંથી વટવૃક્ષ બન્યું. જેમાં આ સ્વયંસેવકની સેવાઓ ભારત અને વિશ્વભરમાં કેવી રીતે વ્યાપી અને અનેક વિપરીત સંજોગોના વાવાઝોડા વચ્ચે પણ કર્તવ્યનિષ્ઠ આ કાર્યકરોની રોમાંચક ગાથાની પ્રસ્તુતિ કરવામાં આવી. આ સાથે વિપરીત પરિસ્થિતિઓમાં પણ સેવામાં અડગ રહેતા BAPSના મહિલા કાર્યકરોના અને પુરુષ કાર્યકરોના વિશિષ્ટ પ્રસંગો પર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.

બીજ કાર્યક્રમમાં છેલ્લાં 100 કરતાં વધુ વર્ષોથી આરંભાયેલી આ સ્વયંસેવક પરંપરાનું બીજારોપણ અને તેના પોષણની અદ્ભુત રજૂઆત કરવામાં આવી. સત્પુરુષના પ્રેમ દ્વારા આ બીજ અંકુરિત થાય છે. BAPSના સ્થાપક બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આ કાર્યકર પ્રવૃત્તિના બીજ રોપ્યા અને ક્રમશઃ તેઓ અંકુરિત થયા.


Related Posts

Load more