Banaskantha: લાખણીમાં મોડી રાત્રે 5 ઇંચ વરસાદ ખાબકતાં ભારે તારાજી, મુખ્ય બજાર સહિત ઘરોમાં ઘૂસ્યા પૂરના પાણી

By: Nation Gujarat Team
25 Jul, 2026

બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાના તોફાની સ્પેલ વચ્ચે ગઈકાલે મોડી રાત્રે આકાશી આફત તૂટી પડી હતી. ખાસ કરીને લાખણી તાલુકામાં મોડી રાત્રે વાદળફાટ જેવી સ્થિતિ સર્જાતાં માત્ર ગણતરીના કલાકોમાં જ 5 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો હતો.

લાખણી તાલુકામાં મોડી રાત્રે વાદળફાટ જેવી સ્થિતિ 

રાત્રિના અંધકારમાં પડેલા આ તોફાની વરસાદના કારણે લાખણી ટાઉન સહિત આસપાસના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. લાખણી મુખ્ય બજાર, બસ સ્ટેન્ડ રોડ તેમજ આસપાસની તમામ સોસાયટીઓમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. પાણીનું વહેણ અને પ્રવાહ એટલો ઝડપી હતો કે લોકો કશું સમજે કે સામાન ઊંચો કરે તે પહેલાં જ પૂરના પાણી મકાનોમાં પ્રવેશવા લાગ્યા હતા.

પાળા કુદાવીને ઘરોમાં ઘૂસ્યા પાણી મધ્યરાત્રિએ દોડધામ

દર ચોમાસામાં ભરાતા પાણીથી બચવા માટે સ્થાનિક રહીશોએ પોતાના ઘરના મુખ્ય દરવાજા બહાર ઈંટો કે સિમેન્ટના પાળા (પ્રોટેક્શન વોલ) બનાવ્યા હતા. પરંતુ ગઈકાલે રાત્રે પૂરની તીવ્રતા એટલી વધી ગઈ હતી કે વરસાદી પાણી આ પાળાને પણ કૂદાવીને સીધા દીવાનખંડ અને રસોડામાં ઘૂસી ગયા હતા. મધ્યરાત્રિએ ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં નાના બાળકો અને વૃદ્ધોને લઈને રહીશોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી.

સ્થાનિકોને ભારે આર્થિક નુકસાન

આ આકાશી આફતના લીધે લોકોનું અનાજ, કિંમતી ઘરવખરી અને વિજ ઉપકરણો પાણીમાં ગરકાવ થઈ જતાં સ્થાનિકોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બીજી તરફ લાખણી બજારની દુકાનોમાં પણ પાણી ભરાઈ જતાં વેપારીઓનો માલસામાન પલળી ગયો છે.

મામલતદાર કચેરીની ટીમ સ્થળ પર દોડી ગઈ

સવાર પડતાં જ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર અને મામલતદાર કચેરીની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. પાણીના નિકાલ માટે જેસીબી મારફતે રસ્તાઓ અને નાળાઓ ખુલ્લા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારે તારાજી વચ્ચે સ્થાનિક રહીશો તંત્ર પાસે તાત્કાલિક કેશડોલ્સ અને આર્થિક સહાયની માંગ કરી રહ્યા છે.


Related Posts

Load more