સરદાર પટેલ યુનિવર્સિટીના B.Ed ના ટોપરને દર વર્ષે અપાશે “વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ”

By: Nation Gujarat Team
08 Jul, 2026

વડતાલ: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન દ્વારા શિક્ષણ ક્ષેત્રે પ્રશિક્ષણાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે એક સરાહનીય અને પ્રેરણાદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. સરદાર પટેલ યુનિવર્સિટીના બેચલર ઓફ એજ્યુકેશન (B.Ed. Gen) અભ્યાસક્રમની એક્સટર્નલ પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી પ્રશિક્ષણાર્થીને પ્રતિવર્ષ “વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ” એનાયત કરવામાં આવશે.
આ પવિત્ર અને શૈક્ષણિક કાર્ય માટે પંચાળા ગાદીના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના દિવ્ય આશીર્વાદ સાથે વડતાલ સંસ્થાન દ્વારા એક વિશેષ ભંડોળ અર્પણ કરવામાં આવ્યું છે. વડતાલ સંસ્થાનના ચેરમેન પ.પૂ. શાસ્ત્રી ડૉ. સંતવલ્લભદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી પ.પૂ. દેવપ્રકાશદાસજી સ્વામીના હસ્તે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજનભાઈ પટેલને ₹૭,૫૦,૦૦૦/- (અંકે રૂપિયા સાડા સાત લાખ પુરા) નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

મુખ્ય હાઇલાઇટ્સ:

મેડલનું નામ: વડતાલધામ શિક્ષાપત્રી ગોલ્ડ મેડલ

લાભાર્થી: S.P. યુનિવર્સિટીના B.Ed. (Gen) એક્સટર્નલ પરીક્ષાના ટોપર વિદ્યાર્થી

અર્પણ કરેલી રાશિ: ₹૭,૫૦,૦૦૦/- ની ફિક્સ ડિપોઝિટના વ્યાજમાંથી દર વર્ષે ગોલ્ડ મેડલ અપાશે.

વડતાલ સંસ્થાનના આ ભગીરથ કાર્યને સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી અને સમગ્ર શૈક્ષણિક જગતે આવકાર્યું છે અને સંસ્થાનની આ ઉમદા ભાવના બદલ આભાર વ્યક્ત કર્યો છે. આ મેડલ આગામી સમયમાં ભવિષ્યના શિક્ષકો બનવા જઈ રહેલા પ્રશિક્ષણાર્થીઓ માટે એક મોટું પ્રોત્સાહન પૂરું પાડશે.


Related Posts

Load more