જમ્મુ-કાશ્મીરના રિયાસીમાં આતંકવાદીઓએ શ્રદ્ધાળુઓને લઈ જતી બસ પર હુમલો કર્યો છે. આમાં 10 લોકોનાં મોતના સમાચાર છે, જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આ આતંકવાદી હુમલો નવી દિલ્હીમાં પીએમ મોદી અને નવા મંત્રીમંડળના શપથગ્રહણ સમારોહ દરમિયાન થયો હતો.
આ હુમલો રિયાસી જિલ્લાના કંદા વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો, જેમાં ડ્રાઈવર ઘાયલ થયો અને તેણે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો, જેના કારણે બસ ખાઈમાં પડી હતી. 10 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ગોળીઓથી ઘાયલ થયા છે. બસમાં સવાર અન્ય મુસાફરોને બચાવવાની કામગીરી ચાલી રહી છે.
બસ શ્રદ્ધાળુઓને લઈને કટરાથી શિવ ઘોડી મંદિર જઈ રહી હતી. શિવ ઘોડી મંદિર માતા વૈષ્ણો દેવીનો બેઝ કેમ્પ છે.
4 મેના રોજ એરફોર્સના કાફલા પર હુમલો થયો હતો
જમ્મુ-કાશ્મીરના પૂંછમાં 4 મેના રોજ એરફોર્સના જવાનો પર થયેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો. હુમલામાં પાંચ સૈનિક ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું. જ્યારે અન્ય એક જવાનની હાલત નાજુક છે.
આ હુમલો પૂંછના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોનાં બે વાહન પર જોરદાર ગોળીબાર કર્યો હતો. આમાંનું એક વાહન એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચને પાર કરી ગઈ હતી.