AMC નવી ટેક્નોલોજી લાવ્યું, બે કલાકમાં રસ્તાના ખાડા પૂરાઈ જશે, સમય બચશે પણ ખર્ચ વધશે

By: Nation Gujarat Team
12 Sep, 2026

Ahmedabad News : અમદાવાદ શહેરમાં હવે રસ્તા પરના ખાડા તેમજ બિસ્માર માર્ગોનું સમારકામ માત્ર 2 કલાકમાં જ થઈ જશે. રસ્તાના રિપેરિંગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી જીઓપોલીમર ટેકનોલોજી લાવવામાં આવી છે. જેમાં સિમેન્ટનો ઉપયોગ જ નહી કરવામાં આવે. હાલ શહેરના 6 ઝોનમાં સાડા પાંચ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આ નવી ફાસ્ટ સેટિંગ ટેકનોલોજીથી કૉન્ક્રિટ રોડના સમારકામ માટે રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીની બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે.

જીઓપોલીમર ટેકનોલોજી કેવી રીતે કામ કરશે?

આ નવી ટેકનોલોજીમાં બાઇન્ડર તરીકે સિમેન્ટનો ઉપયોગ થતો નથી. તેની જગ્યાએ થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસો બાળવાથી નીકળતી રાખ તેમજ ઉદ્યોગોમાંથી નીકળતી સિલિકા અને એલ્યુમિનિયમ જેવા બાય પ્રોડક્ટ્સ વપરાય છે. આવી રીતે તૈયાર થયેલા મટીરિયલને જીઓપોલીમર કહેવામાં આવે છે, જેમાં ફક્ત પાણી ઉમેરીને ખાડામાં ભરી તેનું સમારકામ કરવામાં આવે છે. મુખ્યત્વે આ ટેકનોલોજી કૉન્ક્રિટ રસ્તાઓમાં ઉપયોગમાં લેવાય છે. જો કે હાલ શહેરમાં ગણતરીના રસ્તા જ કૉન્ક્રિટના છે, પરંતુ સીજી રોડ, બોડકદેવ, વસ્ત્રાપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં બનાવેલા કૉન્ક્રિટ રોડના ખાડા પૂરવા માટે આ પદ્ધતિ અપનાવાશે.

કાર્બન ફૂટપ્રિન્ટ ઘટશે પરંતુ ખર્ચમાં થશે વધારો

સામાન્ય રીતે કરાતા સમારકામની સામે આ નવી ટેકનોલોજીનો ખર્ચ થોડો વધી જાય છે. રોડ એન્ડ બિલ્ડિંગ્સ કમિટીના જણાવ્યા મુજબ, મુંબઈ ઇસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ વે સહિત અન્ય શહેરોમાં આ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિના ઉપયોગથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે છે, પાણી અને સમયની પણ મોટી બચત થાય છે.

નવી ટેકનોલોજીના મુખ્ય ફાયદાઓ

આ ટેકનોલોજીથી સમારકામ કર્યા પછી પાણી છાંટવાની જરૂર પડતી નથી. લાંબા સમયના બદલે માત્ર 2 કલાકમાં જ રસ્તો વાહનવ્યવહાર માટે ખુલી જાય છે. કચરી-કાંકરીથી મુક્ત હોવાથી પર્યાવરણને વિશેષ ફાયદો થાય છે અને ચોમાસાની ઋતુમાં પણ સરળતાથી સમારકામ કરી શકાશે. ભવિષ્યમાં જરૂર પડશે તો ડામરના રસ્તાના રિપેરિંગ માટે પણ આ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.


Related Posts

Load more