Amreli: મહિલા મહેમાનને ખુશ કરવા વન વિભાગે આંબરડી સફારી પાર્કમાં લાયન શો યોજાયો, સરકારી વાહનના દુરુપયોગથી વનતંત્ર સામે સવાલો

By: Nation Gujarat Team
12 Oct, 2026

ગીર પંથકમાંથી વન વિભાગની છબી ખરડાવતી અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તાર હેઠળ આવતા સુપ્રસિદ્ધ આંબરડી સફારી પાર્કમાં વન વિભાગના જ એક કર્મચારી દ્વારા મહિલા મહેમાનને ખુશ કરવા માટે ગેરકાયદે ‘લાયન શો’ યોજવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ થયો છે. સરકારી વાહનનો ખુલ્લેઆમ દુરુપયોગ કરીને સફારી પાર્કની પ્રતિબંધિત હદમાં સિંહોને નજીકથી બતાવવાનો એક કથિત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વનતંત્રમાં ભૂકંપ આવી ગયો છે.

મહિલા મહેમાન માટે સરકારી ગાડી લઈને લાયન શો યોજાયો

વાયરલ થયેલા કથિત વીડિયો અને સ્થાનિક સ્તરેથી મળતી પ્રાથમિક વિગતો અનુસાર આંબરડી સફારી પાર્કમાં સામાન્ય પ્રવાસીઓ માટે નિયત રૂટ અને ખુલ્લી સફારી બસો નિર્ધારિત હોય છે, જ્યાં કડક નિયમોનું પાલન કરવું પડે છે.જોકે, વન વિભાગના જ એક કર્મચારી દ્વારા ખાસ આવેલી મહિલા મહેમાનને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવા માટે વન વિભાગની સત્તાવાર સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.સરકારી વાહન સીધું સફારી પાર્કની અંદર લઈ જઈને સિંહોની સાવ નજીક ઊભું રાખીને ગેરકાયદેસર રીતે લાયન શો કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

સિંહોની સુરક્ષા સામે ગંભીર સવાલો, કથિત વીડિયો વાયરલ

ગીર વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સિંહોને પજવણી કરવી કે ગેરકાયદે લાયન શો યોજવો એ બિનજામીનપાત્ર ગંભીર ગુનો બને છે. સરકારી બાબુઓની મહેરબાનીથી સફારી પાર્ક પરિસરમાં જ ખાનગી મહેમાનો માટે આવા શો યોજાતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થઈ જતાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.સિંહોની સુરક્ષા માટે કરોડો રૂપિયાનું બજેટ વાપરતા વન વિભાગની નાક નીચે જ આવા તાયફા ચાલતા હોવાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ ભભૂકી ઊઠ્યો છે.

ધારી વન વિભાગની કામગીરી શંકાના દાયરામાં

આ સનસનાટીભર્યા મામલે હવે ધારી ગીર વન વિભાગની ભૂમિકા સામે અનેક સવાલો ખડા થયા છે.સફારી પાર્કમાં વન વિભાગની સરકારી ગાડી કોની મંજૂરીથી અને કોના આદેશથી અંદર પ્રવેશી?શું ઉચ્ચ અધિકારીઓની આ બાબતમાં મૂક સંમતિ હતી કે પછી કર્મચારીએ પોતાની મનમાની ચલાવી હતી?કથિત વીડિયો વાયરલ થયા બાદ હવે ધારી વન વિભાગ આ મામલે જવાબદાર કર્મચારીઓ સામે કડક કાયદાકીય તપાસ કરી કાર્યવાહી કરશે કે પછી સમગ્ર પ્રકરણ પર ઢાંકપિછોડો કરીને ‘જય જય ગરવી ગુજરાત’ કહી મામલો રફેદફે કરી દેવાશે, તે જોવું રહ્યું.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score