ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ભારતની સૌથી અત્યાધુનિક ગૌશાળા બનાવવાની

By: Nation Gujarat Team
09 Apr, 2026

ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર (Salangpur Dham) ફરી એકવાર ભક્તિ અને સેવના સંગમનું સાક્ષી બન્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણીના 31માં જન્મદિનના મંગળ અવસરે અંબાણી પરિવારે ગૌ-સેવા માટે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. કષ્ટભંજનદેવ હનુમાનજીના ચરણોમાં અંબાણી પરિવારે ₹10 કરોડની માતબર રકમ ગૌ-સેવા અર્થે અર્પણ કરી છે.

પ્રોજેક્ટ હેઠળ સાળંગપુર ધામના 28 એકરના વિશાળ પરિસરમાં ભારતની સૌથી અત્યાધુનિક ગૌશાળાનું નિર્માણ થઈ રહ્યું છે. આ ગૌશાળાની ખાસિયત એ છે કે તેમાં સ્વીડનની 130 વર્ષ જૂની વિશ્વવિખ્યાત કંપની ‘ડીલાવલ’ (DeLaval) ની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. કુલ ₹15 કરોડના ખર્ચે તૈયાર થનારી આ હાઈટેક ગૌશાળામાં 500 ગાયો માટે આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ સમગ્ર ગૌશાળાના નિર્માણમાં અંબાણી પરિવાર ‘મુખ્ય યજમાન’ તરીકે જોડાયો છે અને આ સેવામાં અન્ય કોઈ દાતાનો સહયોગ લેવામાં આવશે નહીં.

સાળંગપુર મંદિરના કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ અંબાણી પરિવારની આ ગૌ-ભક્તિને બિરદાવતા જણાવ્યું હતું કે, દેશના સર્વોચ્ચ શિખરે હોવા છતાં આ પરિવારમાં રહેલા સનાતન સંસ્કારો વંદનીય છે. અનંત અંબાણીના જન્મદિન નિમિત્તે દાદાના સાનિધ્યમાં ખાસ ‘મારુતિયજ્ઞ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય કોકિલાબા, મુકેશભાઈ અને નીતાબેન સહિત સમગ્ર પરિવારની આ ગૌ-સેવા આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે. આ ગૌશાળા માત્ર એક ઈમારત નહીં, પરંતુ પશુ કલ્યાણ અને ટેકનોલોજીના સમન્વયનું ‘અવિસ્મરણીય સંભારણું’ (Unforgettable Landmark) બની રહેશે.


Related Posts

Load more