મા જગદંબાએ જેનાથી મહિષાસૂરનો વધ કર્યો તેવું આબેહૂબ ત્રિશૂળ:600 કિલો વજન, 16 ફૂટ ઊંચાઇ

By: Nation Gujarat Team
04 Feb, 2026

લોકવાયકા છે કે જ્યારે મહિષાસુર નામના દૈત્યના ત્રાસથી ત્રણેય લોક ધ્રૂજી ઉઠ્યા હતા. દેવોની રક્ષા કાજે આદ્યશક્તિ અંબા પ્રગટ થયા. ભગવાન શિવે પોતાના ત્રિશૂળમાંથી એક દિવ્ય અંશ કાઢી માતાજીને અર્પણ કર્યો. અને એ જ અમોઘ શસ્ત્રથી જગતજનની મા અંબાએ મહિષાસુરનો સંહાર કરી અધર્મ પર ધર્મનો વિજય મેળવ્યો. લોકવાયકા મુજબ વધ કર્યા બાદ માતાએ તે દિવ્ય ત્રિશૂળ ઉત્તરકાશીની ધરતી પર સ્થાપિત કર્યું. જે આજે પણ અડીખમ છે. ત્યારે હવે એ જ દિવ્યતાનો સાક્ષાત્કાર માઇભક્તોને મા અંબાના ધામ અંબાજી ખાતે થશે.

તાજેતરમાં જ અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા એક ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું કાર્ય કર્યું છે. ઉત્તરકાશી સ્થિત 1500 વર્ષ જૂના અખંડ શક્તિ ત્રિશૂળની પ્રેરણાથી અંબાજીના પ્રખ્યાત ત્રિશૂળિયા ઘાટ ખાતે 16 ફૂટ ઊંચું અને આશરે 600 કિલો વજન ધરાવતું દિવ્ય અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરાયું છે. જેને આગામી 7 તારીખે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે દર્શન માટે ખુલ્લુ મુકાશે.

આ ત્રિશૂળ ઉત્તરકાશીમાં સ્થિત માતા જગદંબા દ્વારા સ્વયં સ્થાપિત કરાયેલા પ્રાચીન અને દિવ્ય શક્તિ ત્રિશૂળની પ્રથમ રેપ્લિકા છે. ઉત્તરકાશીનું મૂળ ત્રિશૂળ 18 ફૂટ ઊંચું છે અને સ્વયંભૂ છે. લોકવાયકા મુજબ મહિષાસુરનો વધ કરીને મહિષાસુર મર્દિની માં અંબાએ તે જગ્યા પર ત્રિશૂળ પ્રસ્થાપિત કર્યું હતું. તેનો અંત ક્યાં છે અને તે શેમાંથી બનેલું છે તે પણ કોઈને ખ્યાલ નથી. આવું અદભૂત ત્રિશૂળ ક્યાંય પણ પ્રસ્થાપિત નથી થયું.

આ ત્રિશૂળને એવું જ આબેહૂબ ત્રિશૂળ બનાવવાનો પ્રયત્ન કરાયો છે. સાથે જ આધ્યાત્મિક મર્યાદાને ધ્યાને લઇ અંબાજીના ત્રિશૂળની ઊંચાઈ 16 ફૂટ રાખી છે. કારણ કે શાસ્ત્રોની મર્યાદા મુજબ મુખ્ય ત્રિશૂળ છે તેનાથી ક્યારેય મોટા ન થવાય, એટલે તેની માન-મર્યાદા જળવાય તે માટે 2 ફૂટ ઓછી ઊંચાઈ રાખાઇ છે.

આ ત્રિશૂળના ઉપરના ભાગમાં ત્રણ શૂલ છે. આ શાકંભરી નવરાત્રિના મહિમાને પણ જોડે છે. તેમાં દાંતરડાનો ભાગ છે, માતાજીની તલવાર છે અને પરશુરામનો ફરસો પણ છે. એટલે કે આમાં એવું કોઈ શસ્ત્ર નથી જે નથી. આ શિવના ત્રિશૂળમાંથી નીકળેલું હોવાથી બધા જ શસ્ત્રોનો આમાં સમાવેશ થઈ જાય છે.

ત્રિશૂળનું નિર્માણ અત્યંત જટિલ પ્રક્રિયામાંથી પસાર થઈને ચાર ભાગમાં કરવામાં આવ્યું છે. તેને તૈયાર કરવા માટે અમદાવાદના વટવા GIDC સ્થિત અમદાવાદ એન્જિનિયર્સ ફેક્ટરીના 25 કુશળ માણસોએ સતત ચાર મહિના સુધી રાત-દિવસ અથાગ મહેનત કરી હતી.જેની ડિઝાઇન કેનેડામાં આઇટી નેટવર્કિંગનો અભ્યાસ કરતા વિવેક પટેલે 5 દિવસમાં તૈયાર કરી છે. ત્રિશૂળનું મહાત્મય અને આયુષ્ય જળવાઈ રહે તે માટે તેને ખાસ એસ.એસ. 316 મટિરિયલમાંથી બનાવવામાં આવ્યું છે. આ હાઈ-ગ્રેડ સ્ટેનલેસ સ્ટીલ હોવાને કારણે તેના પર આજીવન ક્યારેય કાટ લાગવાની સંભાવના નથી.

ભવ્ય અને દિવ્ય ત્રિશૂળના માઇભક્તો દર્શન કરી શકે તે માટે ટૂંક સમયમાં જ તેને ખુલ્લુ મુકાશે. ત્યારે આ અખંડ શક્તિ ત્રિશૂળ સ્થાપિત કરવાનો વિચાર કેવી રીતે આવ્યો અને તે વિચારને સાકાર કરવા માટે જય ભોલે ગ્રુપ તરફથી શું શું કરવામાં આવ્યું તે જાણવા અમે ભોલે ગ્રુપના દીપેશ પટેલ સાથે વાતચીત કરી હતી.

દીપેશ પટેલ કહે છે કે આજથી ત્રણેક વર્ષ પહેલાં મેં ઉત્તરકાશીમાં માતા જગદંબા પાસે અખંડ શક્તિ ત્રિશૂળ જોયું હતું. ત્યારે મનમાં થયું હતું કે ખરેખર આને જ ત્રિશૂળ કહેવાય. મેં કુતૂહલવશ ત્યાંના મહારાજને મળીને ત્રિશૂળ વિશે જાણ્યું હતું. ત્યારે મહારાજ સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, ભગવાન શંકરે માં જગદંબાને મહિષાસુરનો વધ કરવા માટે આ ત્રિશૂળ આપ્યું હતું. જે 1500 વર્ષ જૂનું છે.

મેં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સાથે અંબાજી ત્રિશૂળિયા ઘાટ ખાતે ત્રિશૂળની સ્થાપના કરવાની વાત કરી હતી. મંજૂરી મળતાં જ અમારી ટીમ 2જી સપ્ટેમ્બરના રોજ ઉત્તરકાશી ગઈ હતી અને ત્યાં સ્કેનરથી અખંડ શક્તિ ત્રિશૂળ સ્કેન કરી તેની રેપ્લિકા તૈયાર કરી. ’

આબેહૂબ બનાવવા માટે બાય-કાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો’

‘પરંતુ તેમાં સફળતા ન મળી એટલે મેં કેનેડામાં રહેતો મારો પુત્ર વિવેક જે આઇટી નેટવર્કિંગનો અભ્યાસ કરી રહ્યો છે, તેને વાત કરી હતી. તેણે સતત પાંચ દિવસ મહેનત કરીને આબેહૂબ ડિઝાઇન તૈયાર કરી દીધી. આ ડિઝાઇનના આધારે અમદાવાદ વટવા જીઆઇડીસીમાં આવેલી અમદાવાદ એન્જિનિયર્સ ફેક્ટરીમાં 25 લોકોની ટીમે કામ શરૂ કર્યું હતું. સતત ચાર મહિના સુધી મહેનત કરીને આ ત્રિશૂળ તૈયાર કરવામાં આવ્યું હતું.ઉત્તરકાશીના ત્રિશૂળની તેની આબેહૂબ રેપ્લિકા બનાવવા માટે બાય-કાસ્ટ પદ્ધતિનો ઉપયોગ કર્યો અને પેટર્ન ક્રિએટ કર્યા.’

તેઓ વધુમાં જણાવે છે કે સ્ટ્રક્ચરની ડિઝાઇન મુજબ તેનું વજન આશરે 600 કિલો રાખ્યું છે. 16 ફૂટ ઊંચાઈ હોવાથી તેને કુલ ચાર ભાગમાં વેલ્ડિંગ કરીને બનાવવું પડ્યું છે. 16 ફૂટની ઊંચાઈ ધરાવતું આખું ત્રિશૂળ એકસાથે કાસ્ટ કરવું શક્ય નહોતું. તેથી અમે તેને ચાર અલગ-અલગ ભાગમાં તેની પેટર્ન બનાવીને પછી મશીનિંગ અને વેલ્ડિંગ દ્વારા જોડ્યું છે.

‘બેઝ જેટલો મજબૂત હોય તેટલું તેને ઉપર સ્ટ્રેન્થ મળે’

‘તેની વિશેષતા એ છે કે તેમાં ક્યાંય પણ વેલ્ડિંગ દેખાશે નહીં. પૂરેપૂરું મશીનિંગ કરીને પ્રોપર રીતે અખંડ શક્તિ ત્રિશૂળ એક જ ભાગમાં હોય તેમ બનાવવામાં આવ્યું છે. નીચેનો બેઝ મોટો અને મજબૂત છે કારણ કે જ્યારે કોઈ પણ વસ્તુ ઊંચાઈ પર જાય ત્યારે નીચેનો બેઝ જેટલો મજબૂત હોય તેટલું તેને ઉપર સ્ટ્રેન્થ મળે છે.’

આખેઆખું ત્રિશૂળ એસ.એસ. 316 મટીરીયલથી બનેલું છે, જે સ્ટેનલેસ સ્ટીલ હોવાથી તેના પર ક્યારેય કાટ લાગશે નહીં. અમે લાઈફ ટાઈમ ટકી રહે તેવું મટીરીયલ યુઝ કર્યું છે. તેને પી.વી.ડી. (PVD) કોટિંગ કહે છે, જે લેટેસ્ટ ટેકનોલોજી છે. સ્ટેનલેસ સ્ટીલ પર ગોલ્ડન લુક આપવા માટે કિંમતી ઘડિયાળોમાં જેવું કોટિંગ થાય છે તેવું જ અહીં કરવામાં આવ્યું છે. તેને 20-25 વર્ષ સુધી કંઇ જ થતું નથી.’

અકસ્માતો ઓછા થાય તેવા ભાવથી ત્રિશૂળિયા ઘાટ પર સ્થાપિત

ત્રિશૂળિયા ઘાટ પર સ્થાપનાનો વિચાર કેવી રીતે આવ્યો આ અંગે તેમણે કહ્યું કે અમે શૃંગેરી મઠના શંકરાચાર્યજી પાસે ગયા હતા ત્યારે તેમણે પણ પૂછ્યું હતું કે અહીં જ કેમ? અમે તેમને સમજાવ્યું હતું કે ત્રિશૂળિયા ઘાટ પર ત્રિશૂળ નથી અને ત્યાં અકસ્માતોનું પ્રમાણ વધુ છે. લોકોની સુખાકારી વધે અને અકસ્માતો ઓછા થાય તેવા ભાવથી તેમણે અમને પૂજનના અક્ષત (ચોખા) આપ્યા હતા, જે મૂકીને અમે કામ શરૂ કર્યું હતું.


Related Posts

Load more