સાળંગપુરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની નીચે પ્લેટફોર્મ પર હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ દર્શાવતાં ભીંતચિત્રોના વિવાદમાં શનિવારે એક સનાતની ભક્તે ફરસીના ઘા મારી અને કાળો કલર લગાવ્યો હતો. આ બનાવને પગલે ખળભળાટ મચી ગયો હતો. બેરિકેડ્સ તોડી પ્રતિમાને નુકસાન પહોંચાડવા આવેલા રાણપુરના ચારણકી ગામના હર્ષદ ગઢવીને પોલીસે પકડી પાડ્યો હતો. ત્યારે આ ઘટનાને લઈ સેથળી ગામના ભૂપત સાદુળભાઈ ખાચર દ્વારા ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. હાલ સાળંગપુરમાં સુરક્ષાને ધ્યાને લઈ અને કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ ફોજ ઉતારી દેવાઈ છે. મંદિર પ્રાશાસન દ્વારા હાલ તમામ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને તેની ફરતે પોલીસ બંદોબસ્ત ગોઠવી મુખ્ય ગેટ પર પ્રવેશબંધી કરવામાં આવી છે.
વિવદિત ચિત્રો બે દિવસમાં હટાવાશે
સાળંગપુરમાં હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને 500 જેટલા લોકો પહોંચ્યા હતા. જેને લઈ પોલીસે તમામને રોકી લીધા હતા અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 10 લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. ત્યાં સ્વામિનારયણ સંપ્રદાયના સંતો અને સનાતની સંતો સાથે બંધ બારણે બેઠક થઈ હતી. સ્વામિનારાયણ સંતોએ બે દિવસમાં નિકાલ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ મુદ્દે સનાતની સાધુઓ પાસે સ્વામિનારાયણ સંતોએ બે દિવસનો સમય માંગ્યો છે. બેઠકમાં સુખદ સમાધાન લાવવા અંગે વાતચિત કરવામાં આવી હતી.
સાળંગપુરમાં મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 500 લોકોએ રેલી યોજી
સાળંગપુર મંદિરે હિન્દુ યુવા સંગઠન અને મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત સાધુ-સંતો અને 500 જેટલા લોકો પહોંચ્યા છે. ‘દેવી-દેવતાઓના અપમાન બંધ કરો’ જેવા અનેક ફ્લેકસ બેનર સાથે મંદિરની ફરતે રેલી યોજી હતી. બરવાળા મામલતદાર, પોલીસ તેમજ SOG, LCBનો મસમોટા કાફલા દ્વારા પ્રદર્શન કારીઓને હાઈવે બાયપાસ એન્ટ્રી ગેટ પર રોકી દેવાયા હતા. બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુ સહિત 10 લોકોને મંદિર વહીવટી ઓફિસ ખાતે રજૂઆત કરવા જવા દેવાયા છે અને બાકીના અન્ય લોકોને રોકી દેવામાં આવ્યા છે. મૂર્તિ હટાવવાની ઉગ્ર માંગ સાથે મહામંડલેશ્વર સહિત 10 લોકોને પોલીસ બંદોબસ્ત સાથે કોઠારી ઓફિસ લઈ જવામાં આવ્યા.