Fake Australian Dollar Case: અમદાવાદમાંથી ઓસ્ટ્રેલિયાની નકલી ચલણી નોટ છાપવાની ફેક્ટરી ઝડપાઇ છે. અમદાવાદ શહેરના વટવા GIDCમાં આવેલી ફેક્ટરીમાં નકલી ઓસ્ટ્રેલિયન ડોલર છાપવામાં આવતા હતા. આરોપીઓ છાપેલી નોટોને બજારમાં વટાવવાની ફિરાકમાં હતા. આ પહેલા જ ફેક્ટરી પર અમદાવાદ સિટી પોલીસના SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)ની ટીમે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. SOGની ટીમે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે ફેક્ટરીમાંથી નકલી ચલણી નોટ, અત્યાધુનિક પ્રિન્ટિંગ મશીન અને 11.92 લાખની કિંમતનો કાચો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. SOGની ટીમ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SOG ટીમે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં રોનક ઉર્ફે મીત ચેતન રાઠોડ (24), ખુશ અશોકભાઈ પટેલ (24), મૌલિક શંકરભાઈ પટેલ (36) અને ધ્રુવ હિમાંશુભાઈ દેસાઈ (20)ની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી મૌલિક પટેલ જે ઓસ્ટ્રેલિયાનો સિટીઝન છે.
જાણો સમગ્ર મામલો?
મળતી માહિતી અનુસાર, વેજલપુરમાં આવેલા લાઇફ સ્ટાઇલ હેર સલૂનમાં રોનક રાઠોડ નામનો યુવક હેર કટિંગ માટે આવ્યો હતો. આ દરમિયાન તેણે ત્યાં રાકેશ પરમાર નામના યુવકને તેની પાસે ઓસ્ટ્રેલિયન ડોલર હોવાનું કહ્યું હતું. એક ઓસ્ટ્રેલિયન ડોલરની ભારતીય ચલણ મુજબ કિંમત 55 રૂ. થાય છે. તેમજ તમારે ઓસ્ટ્રેલિયન ડોલર જોતા હોય તો 40 રૂપિયામાં આપીશ તેવી વાત કરી હતી. તેમજ તેની પાસે 6 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર હોવાની વાત કરી હતી, આ સિવાય બીજા કાલે આવશે તેવું પણ જણાવ્યું હતું.
જોકે સમગ્ર મામલે રાકેશ પરમારને રોનકની વાત પર શંકા ગઇ હતી. જેથી રાકેશે આ મામલે પોતાના મિત્રને વાત કરી હતી. જેથી મિત્રએ SOGનો સંપર્ક કરવા સલાહ આપી હતી. ત્યારબાદ રાકેશે SOGને આ અંગે વાત કરી હતી. બાદમાં SOGએ હેર સલૂનમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન રોનક ત્યાં આવી પહોંચ્યો હતો. રોનક પાસેથી 50 ઓસ્ટ્રેલિયન ડોલર મળી આવતા તેની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.
પૂછપરછમાં રોનકે જણાવ્યું હતું કે, આ નકલી ડોલર તેને તેના મિત્ર ખુશ પટેલે આપ્યા હતા. તેના મિત્ર પાસે 1 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર છે અને તે તેને વટાવવા માગતો હોય રોનકને એક ડોલર 35 રૂપિયામાં આપ્યા હતા. ખુશે આપેલા ડોલર રોનક 40 રૂપિયાના ભાવે બજારમાં વેચવાની તૈયારીમાં હતો. રોનક દ્વારા જણાવવામાં આવેલી વિગતોના આધારે SOGની ટીમે ખુશ પટેલની પણ ધરપકડ કરી હતી.
ત્યારબાદ ખુશ પટેલની પૂછપરછ કરાઈ હતી. જેમાં ગાંધીનગરમાં રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે તેને 50 ડોલરનું બંડલ આપ્યું હતું. મૌલિકે આ બંડલ માર્કેટમાં વટાવવા માટે કહ્યું હતું. વટવામાં પ્લેટિનીયમ એસ્ટેટમાં મૌલિક શેડ ધરાવતો હોવાની વિગતો સામે આવી હતી. જેથી SOGની ટીમ રોનક અને ખુશને લઇને ત્યાં વટવા GIDC પહોંચી હતી. જ્યાં ધ્રુવ દેસાઇ નામનો યુવક મળી આવ્યો હતો. આ ગોડાઉન તેના નામે હોવાનું અને તે મૌલિક સાથે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
SOGની ટીમ દ્વારા ગોડાઉનમાં તપાસ હાથ ધરવામાં આવતા ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાની ફેક્ટરી ઝડપાઈ હતી. પ્લાસ્ટિકની સીટી, ઇન્ક, પેન ડ્રાઇવ અને પ્રિન્ટર સહિતનો નોટો છાપવાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. મૌલિક અને ધ્રુવ દ્વારા નોટો છાપવામાં આવતી હતી અને ખુશ તથા રોનક જેવા યુવકને આ નકલી નોટો બજારમાં વેચાણ માટે અપાતી હતી. પોલીસે ચારેય યુવકોની ધરપકડ કરી છે. SOGએ હાલ, ઓસ્ટ્રેલિયન ડોલર ક્યાં કયાં વટાવવામાં આવ્યા છે તે સહિતની વિગતો મેળવવા તપાસ હાથ ધરી છે.
પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે, ધંધામાં નુકસાન જતા મૌલિક પર દેવું થઈ ગયું હતું. મૌલિકને પોતાની દેવું ઝડપથી ભરપાઇ કરવું હતું અને વધુ રુપિયા કમાવવાની લાલચે ઓસ્ટ્રેલિયન ડોલર છાપવાનો પ્લાન બનાવ્યો હતો. મૌલિકે સમગ્ર પ્લાન અંગે ધ્રુવને જાણ કરી હતી. ઓક્ટોબર મહિનામાં મૌલિક ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવ્યો અને ગાંધીનગરથી નોટો છાપવાનું મશીન ખરીદ્યું હતું. મશીન ખરીદ્યા બાદ રો-મટીરીયલ ખરીદ્યું હતું. તેમજ ઇન્ટરનેટ પરથી મશીનના સોફ્ટવેર પ્રમાણે ઓસ્ટ્રેલિયન ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી હતી. નોટોનું પ્રોડક્શન થયા બાદ ધ્રુવ પટેલને નોટો બજારમાં વટાવવા માટે આપી હતી. SOGએ આ મામલે વધારે તપાસ હાથ ધરી છે.