ગુજરાતમાં નવરાત્રીના પાવન પર્વ પર જ્યાં એક તરફ ભક્તિ અને ઉત્સાહનો માહોલ છે, ત્યાં બીજી તરફ મોંઘાદાટ અને હાઈ-પ્રોફાઈલ ગરબા મહોત્સવોમાં આયોજકો અને સિક્યોરિટીની દાદાગીરી સામે આવી રહી છે. નવરાત્રીના આઠમા નોરતે અમદાવાદ નજીક યોજાયેલા અત્યંત લોકપ્રિય અને ચર્ચાસ્પદ ‘મંડળી ગરબા’ માં મોડી રાત્રે મોટો હોબાળો અને જૂથ અથડામણ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોડી રાત્રે પ્રવેશ (એન્ટ્રી) આપવા બાબતે શરૂ થયેલી બોલાચાલી જોતજોતામાં એટલી હદે વણસી ગઈ કે મેદાનમાં તૈનાત બાઉન્સરો લાકડી-ધોકા અને ખુલ્લી તલવારો લઈને યુવકો પાછળ દોડ્યા હતા. આ ભયાનક દ્રશ્યો જોઈને હજારો રૂપિયાના પાસ લઈને આવેલા ખેલૈયાઓમાં ભારે નાસભાગ અને ફફડાટ વ્યાપી ગયો હતો.
અમદાવાદ અને આસપાસના યુવા ખેલૈયાઓ મોટી સંખ્યામાં ‘મંડળી ગરબા’ના સ્થળે પહોંચ્યા હતા.મોડી રાત્રે અમુક યુવકોને અંદર પ્રવેશવા બાબતે ગેટ પર તૈનાત સિક્યોરિટી અને બાઉન્સરો સાથે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી.વાતચીત દરમિયાન મામલો બિચકતાં ગેટ પરથી શરૂ થયેલી સામાન્ય ઝપાઝપી ગણતરીની મિનિટોમાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી.
સિક્યોરિટીના નામે રખાયેલા બાઉન્સરો દ્વારા કાયદો હાથમાં લેવાની હરકત સામે આવી.ઉશ્કેરાયેલા બાઉન્સરોએ પોતાના હાથમાં લાકડાના ધોકા તેમજ તીક્ષ્ણ હથિયાર (તલવાર) કાઢીને યુવકોને મારવા માટે તેમની પાછળ દોટ મૂકી હતી.ગરબા ગ્રાઉન્ડના પરિસરમાં ખુલ્લી તલવારો અને ધોકા સાથે બાઉન્સરોને ધસી આવતા જોઈને ત્યાં હાજર યુવક-યુવતીઓ અને પરિવારોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.જીવ બચાવવા માટે લોકો આમતેમ ભાગવા લાગતાં ગરબા પરિસરમાં અફરાતફરી અને નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો.
‘મંડળી ગરબા’માં પ્રીમિયમ ચાર્જ વસૂલવામાં આવતો હોવા છતાં સર્જાયેલી અરાજકતાથી લોકોમાં રોષ છે.હજારો રૂપિયા ખર્ચીને પાસ ખરીદીને આવેલા ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ફેમિલી ઈવેન્ટમાં આ પ્રકારના લુખ્ખા તત્વો જેવા બાઉન્સરો પાસે હથિયારો ક્યાંથી આવ્યા?ગરબા ગ્રાઉન્ડમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સામે પણ ગંભીર જોખમ ઊભું થયું હતું.આ સમગ્ર હંગામા બાદ સ્થાનિક પોલીસ તંત્રને જાણ કરવામાં આવી હતી કે કેમ અને ગેરકાયદે હથિયારો સાથે દહેશત ફેલાવનારા બાઉન્સરો સામે કડક કાનૂની પગલાં લેવાશે કે નહીં તેની ચર્ચાએ જોર પકડ્યું છે.