ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે આયોજિત સોનુ નિગમના લાઈવ કોન્સર્ટના કોમ્પ્લિમેન્ટ્રી પાસ મેળવવા માટે હાઈકોર્ટના જજ અને તેમના જમાઈ તરીકેની ખોટી ઓળખ આપનાર એક શખસને LCB પોલીસે ઝડપી પાડ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા યુવકે LCB કચેરીએ જઈને હાઈકોર્ટ જજના જમાઈ તરીકેની ઓળખ આપી પાસ માગ્યા હતા. હાજર પોલીસ કર્મચારીએ તેને પીઆઇ પાસે લઈ ગયા હતા. જોકે, એલસીબી પીઆઇએ ક્રોસ કરતા હાઈકોર્ટ જજના જમાઈનો રૂઆબ ઉતારી દઈ તેને જેલના સળિયા ગણતો કરી દીધો હતો.
જજનો જમાઈની ઓળખ આપી સોનુ નિગમના કોન્સર્ટના પાસ માગ્યા રવિવારે બપોરે અમદાવાદનો જય જીગ્નેશભાઈ શાહ નામનો શખસ ગાંધીનગર LCB-2ની ઓફિસે પહોંચ્યો હતો. તેણે ત્યાં હાજર પોલીસકર્મીઓને જણાવ્યું હતું કે, હું ગુજરાત હાઈકોર્ટના જજ સાહેબનો જમાઈ છું અને મારે પી.આઇ સાહેબને મળવું છે. પોલીસકર્મી તેને પીઆઇ એચ.પી પરમાર પાસે લઈ ગયો હતો. ત્યાં તેણે જજના જમાઈ તરીકે ઓળખ આપીને ગિફ્ટ સિટીમાં યોજાનાર સોનુ નિગમના કોન્સર્ટના પાસની માગ કરી હતી. તેણે એવો પણ દાવો કર્યો હતો કે તેના સસરા (જજ)એ આ બાબતે અગાઉ પીઆઇને ફોન પણ કર્યો હતો.
પીઆઇને યુવકના વર્તન ઉપર શંકા જતા તપાસ કરી જોકે, આ શખસની શંકાસ્પદ વર્તણૂક અને વાત કરવાની રીતને કારણે પીઆઇ પરમારને શંકા ગઈ હતી. પીઆઇના મોબાઈલ પર અગાઉ બે અલગ અલગ નંબરથી ફોન આવ્યા હતા. જેમાં એક વ્યક્તિએ પોતાની ઓળખ જજ તરીકે આપી અને બીજાએ તેમના જમાઈ તરીકે ઓળખ આપી હતી. આથી વધુ તપાસ કરતા જણાવા મળ્યું હતું કે, આ બંને નંબર સામે બેઠેલા જય શાહ પાસે જ હતા.
પોલીસે તપાસ કરતા હાઈકોર્ટમાં આ નામના કોઈ જજ નહોતા પીઆઇએ આ અંગે વધુમાં હાઈકોર્ટમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, યુવકે જણાવેલા નામના કોઈ વ્યક્તિ જજ તરીકે ફરજ બજાવતા નથી. પોલીસે જ્યારે તેનો મોબાઈલ ચેક કર્યો ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં યુવકે જજના નામથી અનેક લોલોને મેસેજ કર્યા હતા અને તેનું વોટ્સએપ આઇડ પણ જજના નામથી બનાવ્યું હતું.
પોલીસે જય જીગ્નેશ શાહ સામે ગુનો દાખલ કર્યો પોલીસની કડક પૂછપરછમાં યુવકે કબૂલાત કરી હતી કે, તેને મફતમાં સોનુ નિગમનો કોન્સર્ટ જોવો હતો. તેથી તેણે આ નકલી ઓળખ ઉભી કરી હતી. પોલીસે આરોપી જય જીગ્નેશભાઈ શાહ પાસેથી બે મોબાઈલ ફોન અને એક વેગન-આર કાર જપ્ત કરી છે. આ મામલે સેક્ટર 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.