ગુજરાતમાં ભારે વરસાદનું રેડ ઍલર્ટ, અમદાવાદ સહિત 8 જિલ્લામાં આવતીકાલે સ્કૂલ -કોલેજોમાં રજા

By: Nation Gujarat Team
30 Jul, 2026

Gujarat Rain Red Alert: 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, વડોદરા, નવસારી, ખેડા, ડાંગ, નર્મદા, આણંદ બાદ હવે છોટા ઉદેપુરમાં પણ શુક્રવારે ભારે વરસાદના એલર્ટના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. આંગણવાડીથી લઈ કોલેજ સુધીનું શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની તમામ શાળાઓને આદેશ લાગુ

જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ આદેશ અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે. જેમાં તમામ સરકારી, અનુદાનિત (ગ્રાન્ટેડ) અને સ્વનિર્ભર (પ્રાઈવેટ) શાળાઓ, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને તમામ અધ્યાપન મંદિરો તેમજ કોલેજો આ સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.

વાલીઓ અને વિદ્યાર્થીઓને તાત્કાલિક જાણ કરવા તાકીદ

જિલ્લા વહીવટીતંત્ર અને DEO દ્વારા તમામ શૈક્ષણિક સંસ્થાઓના આચાર્યો અને સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે, રજા અંગેની માહિતી વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી WhatsApp, SMS કે અન્ય માધ્યમો દ્વારા તાત્કાલિક પહોંચાડવામાં આવે. આ સાથે જ અફવાઓથી બચીને આગામી સમયમાં તંત્ર દ્વારા મળતી માત્ર અધિકૃત સૂચનાઓનું જ ચુસ્તપણે પાલન કરવા જણાવાયું છે.

AMC સંચાલિત તમામ આંગણવાડીઓ ત્રીજી ઓગસ્ટ સુધી બંધ રહેશે

અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સાવચેતીના પગલારૂપે AMC સંચાલિત તમામ આંગણવાડીઓ સોમવાર (ત્રીજી ઓગસ્ટ 2026) સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારે વરસાદ દરમિયાન બાળકોને અવરજવરમાં કોઈ મુશ્કેલી ન પડે તેમજ સંભવિત જોખમોને ટાળી શકાય તે માટે AMC સંચાલિત તમામ આંગણવાડીઓમાં કામગીરી તા. 03 ઓગસ્ટ 2026 સુધી સ્થગિત રહેશે.

વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો-કોલેજોમાં રજા

31મી જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા શહેરની સ્કૂલો અને કોલેજો બંધ રાખવાનો તંત્ર નિર્ણય લીધો છે. જિલ્લા કલેકટરે એક જાહેરનામું બહાર પાડીને વડોદરા શહેર અને જિલ્લાની તમામ આંગણવાડીઓ સ્કૂલો અને કોલેજોમાં રજા જાહેર કરી છે. સાથે સાથે આ આદેશનો ભંગ કરનાર સંસ્થાઓ સામે કાર્યવાહી પણ કરવાની ચીમકી આપી છે. આ પહેલા પણ ભારે વરસાદની આગાહીના કારણે ગત સપ્તાહે વડોદરા શહેર જિલ્લાની સ્કૂલો બે દિવસ બંધ રાખવામાં આવી હતી.

છોટા ઉદેપુરમાં આવતીકાલે પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર

હવામાન વિભાગ દ્વારા છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે વહીવટી તંત્ર પૂર્ણ રીતે ઍલર્ટ મોડ પર આવી ગયું છે. વાતાવરણની ગંભીરતા અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને છોટા ઉદેપુર જિલ્લા કલેક્ટરે આવતીકાલે (31મી જુલાઈ) તમામ પ્રાથમિક શાળાઓમાં સત્તાવાર રજા જાહેર કરવાનો નિર્ણય લીધો છે.

નર્મદા જિલ્લામાં તમામ શાળાઓમાં રજા જાહેર

હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા જ જિલ્લા તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરક્ષાના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા આવતીકાલે 31 જુલાઇએ તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લામાં SDRF અને NDRFની ટીમોને પણ તૈનાત કરી દેવાઈ છે. નાગરિકોની સલામતી માટે તંત્ર દ્વારા નદી કે ઝરણાં જેવા વિસ્તારોથી દૂર રહેવા અને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.


Related Posts

Load more