Ahmedabad Rape Case : અમદાવાદના ચકચારી આનંદનગર દુષ્કર્મ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. યુવતી પર ટેરેસ પર જઈને જઘન્ય કૃત્ય આચરનાર આરોપી ધર્મસિંહે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો, જેમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આનંદનગર પોલીસ આ કેસના આરોપી ધર્મસિંહને હેબતપુર વિસ્તારમાં ઘટના સ્થળના પંચનામા માટે લઈ ગઈ હતી. પંચનામાની કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન આરોપી ધર્મસિંહે પોલીસ પકડમાંથી છટકીને ભાગવાની કોશિશ કરી હતી. એટલું જ નહીં, આરોપીએ પોલીસ પર હુમલો કરીને પોલીસકર્મીની રિવોલ્વર છીનવવાનો પ્રયાસ પણ કર્યો હતો, જેના કારણે પોલીસકર્મી સાથે ભારે ઝપાઝપી થઈ હતી અને એક પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા હતા.
પરિસ્થિતિની ગંભીરતાને પારખીને અને પોતાના સ્વબચાવ તથા આરોપીને ભાગતો અટકાવવા માટે પોલીસે ગોળીબાર કર્યો હતો, જેમાં આરોપી ધર્મસિંહના પગમાં ગોળી વાગી હતી. પોલીસની આ જવાબી કાર્યવાહી બાદ આરોપી ‘હવે પછી આવું નહીં થાય સાહેબ, એકવાર માફ કરી દો’ તેમ કહીને કરગરવા લાગ્યો હતો. હાલ પોલીસે ઈજાગ્રસ્ત આરોપી અને પોલીસકર્મી બંનેને સારવાર અર્થે ખસેડીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.