અમદાવાદ: જશોદાનગર રોડ પર દેશી દારૂની રેલમછેલ, પોલીસે બે બુટલેગરની કરી ધરપકડ

By: Nation Gujarat Team
14 May, 2026

Ahmedabad News: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રામોલ વિસ્તારમાં પોલીસથી બચવા જતાં બુટલેગરોની આઇસર ટ્રકમાંથી દેશી દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો. વટવા GIDC પોલીસે બાતમીના આધારે ઓપરેશન પાર પાડી ખેડાના બે શખસોને ઝડપી પાડ્યા છે, જેઓ અમદાવાદના અસારવા વિસ્તારમાં દારૂની ખેપ મારવા આવ્યા હતા.

રોડ પર દારૂની રેલમછેલ અને તીવ્ર દુર્ગંધ

મળતી માહિતી અનુસાર, જશોદાનગરથી હાથીજણ સર્કલ તરફ જતા માર્ગ પર અચાનક એક આઇસર ટ્રકમાંથી દારૂની પોટલીઓ ભરેલા થેલા રસ્તા પર પટકાયા હતા. થેલો ફાટી જતાં રોડ પર દારૂની રેલમછેલ જોવા મળી હતી અને સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. ત્યાંથી પસાર થતા વાહનચાલકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા.

વટવા GIDC પોલીસને અગાઉથી જ દારૂની આ ખેપ અંગે બાતમી મળી હતી, જેના આધારે નાઈટ ડ્યુટી દરમિયાન સઘન વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસને જોઈને ગભરાયેલા બુટલેગરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં દારૂનો જથ્થો રસ્તા પર ઢોળાયો હતો. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને આઇસર ટ્રકને આંતરી લીધી હતી. તપાસમાં ટ્રકની ડીઝલ ટેન્કની ઉપર પતરાની ખાસ પેટી બનાવીને તૈયાર કરાયેલું ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

ખેડાથી અમદાવાદ સુધી ફેલાયેલું નેટવર્ક

પોલીસે સ્થળ પરથી સાદિક મિયા મલેક (રહે. ઉમરેઠ) ગણપતભાઈ તળપદા (રહે. ખેડા)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો ખેડાના ચલાલી ગામના કનુભાઈ તળપદાએ ભરી આપ્યો હતો. આ જથ્થો અમદાવાદના અસારવા-શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ પાસે રહેતા ધર્મેશ ઉર્ફે ધર્મેન્દ્ર નામના શખસને સપ્લાય કરવાનો હતો. હાલમાં પોલીસ આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.


Related Posts

Load more