યુવતીએ ID કાર્ડ ફેંક્યું, ગાળો બોલતાં જ હેડ-કોન્સ્ટેબલે લાફો માર્યો:યુવતી 8 મિનિટમાં 16 વાર પોલીસકર્મીને અપશબ્દો બોલી,

By: Nation Gujarat Team
21 Dec, 2025

અમદાવાદના પાલડી વિસ્તારમાં બે દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી.યુવતીએ ગાળો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો હતો.અત્યાર સુધી આઇડી કાર્ડ પડી જવા બાબતે યુવતીને લાફો માર્યો હોવાનું વીડિયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી વોર્ન કેમેરાનો વીડિયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું છે. જેમાં યુવતીએ ID કાર્ડ ફેંક્યુ કે પડ્યું હોવાનું દેખાઈ છે અને યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી, સામે પોલીસ કર્મચારીએ પણ ત્રણ ગાળો આપી હતી.

યુવતી અને પોલીસકર્મીની બબાલનો બોડી વોર્ન કેમેરાનો વીડિયો સામે આવ્યો 19 ડિસેમ્બરે રાતે અંજલી ચાર રસ્તા પાસે ટુ વ્હીલર લઈને આવી રહેલી યુવતી અને પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી થઈ હતી.પરંતુ આ ઝપાઝપી કેમ થઈ તેની પાછળ અત્યાર સુધી યુવતીના જણાવ્યા અનુસાર પોલીસકર્મીનું આઇડી કાર્ડ પડી જવાનું જ એક માત્ર કારણ હતું પરંતુ પોલીસની વર્ધી પર લાગેલા બોડી વોર્ન કેમેરાનો વીડિયો સામે આવ્યો છે.

હેડ કોન્સ્ટેબલે આઈકાર્ડ બતાવતા બંસરીએ ID કાર્ડ જોઈને ફેંકી દીધું અંજલી ચાર રસ્તા પર ત્રણ પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર હતા ત્યારે ઓલા સ્કૂટર લઈને આવી રહેલી બંસરી ઠક્કર સિગ્નલ તોડીને આવી રહી હતી. સિગ્નલ તોડવાના કારણે હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા દ્વારા રોકવામાં આવી હતી. બંસરીને રોક્યા બાદ લાઇસન્સ માટે જયંતી ઝાલા સાથે તું તારી થી વાત કરી હતી જેથી જયંતી ઝાલાએ તેને અટકાવી હતી. ત્યારે બંસરી વધુ ઉગ્ર થઈ હતી. જે બાદ હેડ કોન્સ્ટેબલ જયંતિએ આઈકાર્ડ બતાવતા બંસરીએ ID કાર્ડ જોઈને ફેંકી દીધું હતું.

ગાળ આપતા જ હેડ કોન્સ્ટેબલે તરત યુવતીને લાફો માર્યો જેના કારણે હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા રોષે ભરાયા હતા જેથી યુવતીને હાથ પકડીને કહ્યું કે મારું આઈકાર્ડ ઉપાડીને મને આપ. યુવતીએ કહ્યું નહીં આપું.જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ, આ દરમિયાન અચાનક જ યુવતીએ જયંતી ઝાલાને બીભત્સ ગાળો આપી હતી. ગાળ આપતા જ હેડ કોન્સ્ટેબલે તરત યુવતીને લાફો મારી દીધો હતો.

હેડ કોન્સ્ટેબલે પણ યુવતીને બેથી ત્રણ ગાળ આપી હતી લાફો માર્યા બાદ યુવતીએ જયંતીભાઈને ફરીથી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.જયંતીભાઈ રોષે ભરાતા બે પોલીસ કર્મીઓએ તેમને રોક્યા હતા. આ દરમિયાન યુવતી હેડ કોન્સ્ટેબલ જયંતીને સતત ગંદી ગાળો આપી રહી હતી. ત્યારે જયંતિ ઝાલાએ પણ યુવતીને બેથી ત્રણ ગાળ આપી હતી. યુવતીએ જયંતી ઝાલાને કહ્યું હતું કે તારી નોકરી ખાઈ જઈશ, તારે બંગડીઓ પહેરવી પડશે. આટલું કહીને તેમના પરિવાર વિશે ગાળો આપી હતી.

બંનેને પાલડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા આ દરમિયાન યુવતીએ 112 નંબર પર ફોન કરીને જાણ કરી હતી તો બીજી તરફ જયંતીભાઈએ પણ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.જે બાદ પોલીસની ગાડી આવતા પોલીસ દ્વારા બંનેને પાલડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

યુવતી વિરુદ્ધ ફરિયાદ અને હેડ કોન્સ્ટેબલ ફરજ મોકૂફ આ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. યુવતીએ અગાઉ પણ પોલીસ સાથે માથાકૂટ કરી હતી જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.


Related Posts

Load more