Ahmedabad મનપાના CFO અમિત ડોંગરે તાત્કાલિક અસરથી કરાયા સસ્પેન્ડ

By: Nation Gujarat Team
08 Aug, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના મુખ્ય નાણાકીય અધિકારી (CFO) અમિત ડોંગરે સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રૂ. 36 હજારની લાંચ લેવાના ગંભીર કેસમાં રંગેહાથ ઝડપાયા બાદ અમદાવાદ મનપા તંત્ર દ્વારા તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમિત ડોંગરે એક વચેટીયા મારફતે આ લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા ત્યારે જ એસીબીની ટીમે દરોડો પાડીને બંનેને આબાદ ઝડપી લીધા હતા. મનપાના ઉચ્ચ અધિકારી સામેની આ સફળ ટ્રેપથી વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.

રાત્રિ દરમિયાન નિવાસસ્થાને સર્ચ 

લાંચ કેસમાં ધરપકડ કર્યા બાદ એસીબીની ટીમે ગઈકાલે મોડી રાત્રે અમિત ડોંગરેના નિવાસસ્થાને સંઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એસીબીના અધિકારીઓ દ્વારા ઘરની બારીકાઈથી તલાશી લેવામાં આવી હતી અને મહત્વના દસ્તાવેજો તથા નાણાકીય લેવડદેવડની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ અધિકારી પાસે કરોડો રૂપિયાની અપ્રમાણસર મિલકત (અધિક આવકથી વધુ સંપત્તિ) મળી આવવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. એસીબી દ્વારા તેમની બેંક વિગતો, લોકર અને બેનામી મિલકતો અંગે પણ ઊંડાણપૂર્વક પૂછપરછ અને તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.

આ કાર્યવાહી બાદ ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં ઉચ્ચ કક્ષાના અધિકારી સામે આ પ્રકારની કડક કાર્યવાહી થતાં જ સમગ્ર મનપા મહેકમમાં ફફડાટ વ્યાપી ગયો છે. લાંચરૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા કાયદેસરની ગુનાહિત કાર્યવાહી શરૂ કરાતાં જ સંસ્થાગત ધોરણો મુજબ વહીવટી તંત્રે સસ્પેન્શનનો હુકમ જારી કર્યો છે. પ્રજાના નાણાંની જવાબદારી સંભાળતા મુખ્ય નાણાકીય અધિકારી જ ભ્રષ્ટાચારમાં લિપ્ત હોવાનું બહાર આવતાં તંત્રની પારદર્શિતા સામે પણ સવાલો ઊભા થયા છે. આગામી દિવસોમાં એસીબીની તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસાઓ થાય તેવી શક્યતા છે.

વિપક્ષના સરકાર અને AMC પર તીખા પ્રહારો 

CFOની લાંચ કેસમાં ધરપકડ થતાં જ રાજકીય ગરમાવો આવી ગયો છે અને કોંગ્રેસે સરકાર તેમજ AMC વહીવટ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કોંગ્રેસ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે, જે ફાયર વિભાગનું મૂળ કામ નાગરિકોને સરળતાથી અને પારદર્શક રીતે NOC આપવાનું હોવું જોઈએ, ત્યાં જ લાંચરૂશ્વત અને ભ્રષ્ટાચારનો ખેલ ચાલી રહ્યો છે. અગાઉ રાજકોટ, સુરત અને વડોદરા જેવા મહાનગરોમાં પણ અધિકારીઓની આવી જ બેદરકારી અને ભ્રષ્ટાચારને કારણે નિર્દોષ નાગરિકોએ પોતાના જીવ ગુમાવ્યા હોવાના દાખલા મોજૂદ છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર બોધપાઠ લેવામાં આવ્યો નથી.


Related Posts

Load more