ED Raids Share Price Manipulation Scam in Gujarat : શેરબજારમાં બે કંપનીના શેરના ભાવ કૃત્રિમ રીતે વધારી રોકાણકારોને ફસાવવાના અને મોટા પાયે મની લોન્ડરિંગના કથિત કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ગુજરાત સહિત છ શહેરોમાં 29 સ્થળે દરોડા પાડ્યા હતા. તપાસના કેન્દ્રમાં આર એમ ડ્રિપ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ અને આર એન્ડ બી ડેનિમ લિમિટેડ કંપનીઓના શેર છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર, ભાવનગરથી સંચાલિત વોટ્સએપ ગ્રૂપ દ્વારા એક લાખથી વધુ નાના રોકાણકારોને શેર ખરીદવા માટે લલચાવવામાં આવ્યા હતા.
અનેક શહેરોમાં દરોડા
EDની ટીમોએ મુંબઈ, નાશિક, અમદાવાદ, ગાંધીનગર, સુરત અને ભાવનગરમાં કંપનીઓની કચેરીઓ, પ્રમોટરોના રહેઠાણો, શેર ખરીદનારા કેટલાક લોકો, બ્રોકિંગ અને નાણાકીય કંપનીઓની કચેરીઓ તથા વોટ્સએપ ગ્રૂપના સંચાલકો સાથે સંકળાયેલા સ્થળોએ તપાસ કરી હતી. દરોડા દરમિયાન દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો, શેરના વ્યવહારોના રેકોર્ડ અને મિલકત સંબંધિત દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા.
વોટ્સએપ ગ્રૂપમાં શેર ખરીદવાની ટિપ્સ
તપાસ મુજબ, એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન બંને કંપનીઓએ ચોક્કસ વ્યક્તિઓ અને સંસ્થાઓને 3.5 કરોડથી વધુ શેર અને કન્વર્ટિબલ વોરંટ જારી કર્યા હતા. ત્યારબાદ શેરના ભાવમાં વધારો થયો હતો. ડિસેમ્બર 2025ના અંતથી ફેબ્રુઆરી 2026 સુધી વોટ્સએપ ગ્રૂપમાં આ શેરને મલ્ટીબેગર ગણાવી દરરોજ ખરીદીની ટિપ્સ મોકલવામાં આવતી હતી. ગ્રૂપ ચલાવવા માટે હરિયાણા અને મુંબઈમાં અન્ય લોકોનાં નામે મેળવેલા સિમકાર્ડનો ઉપયોગ થતો હોવાનો તપાસમાં દાવો છે, જ્યારે સંચાલન ભાવનગરથી થતું હતું.
ગ્રૂપ ડિલીટ થતાં શેરના ભાવ તૂટ્યા
20 ફેબ્રુઆરી 2026ના રોજ વોટ્સએપ ગ્રૂપ અચાનક ડિલીટ કરી દેવાયા હતા. ત્યારબાદ બંને કંપનીના શેર લોઅર સર્કિટમાં આવી ગયા અને થોડા દિવસોમાં તેમનું મૂલ્ય આશરે 70 ટકા ઘટી ગયું હતું. પરિણામે એક લાખથી વધુ નાના રોકાણકારોને ભારે નુકસાન થયું હોવાનો દાવો છે. ED મની લોન્ડરિંગ અટકાવવાના કાયદા હેઠળ તપાસ કરી રહી છે. કૌભાંડમાં કોની કેટલી ભૂમિકા હતી અને નાણાંનો પ્રવાહ ક્યાં સુધી પહોંચ્યો હતો તે તપાસના અંતે સ્પષ્ટ થશે.