અમદાવાદમાં વરસેલા ભારે વરસાદથી BRTSની બસ સેવા પ્રભાવિત થઈ છે. કેટલાક રૂટ પરની બસ સેવાઓ હાલ પુરતી બંધ રાખવાની સત્તાવાળાઓએ જાહેરાત કરી છે. આરટીઓ સર્કલથી મણીનગર, એસ પી રિંગ રોડથી એલડી એન્જિ. કોલેજ, રબારી કોલોનીથી આરટીઓ સર્કલ. સાણંદ સર્કલથી સારંગપુર દરવાજા સુધીની બીઆરટીએસ બસ ભારે વરસાદને કારણે બંધ રહેશે અમદાવાદ શહેરના નવા વિકસતા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે. અમદાવાદના જગતપુર, ત્રાગડ અને ગોતા વિસ્તારમાં આવેલ ગોદરેજ ગાર્ડન સિટીમાં ધોધમાર વરસાદથી પાણી ભરાઈ જવા પામ્યા છે. ધોધમાર વરસાદથી જગતપુર, ત્રાગડ અને ગોતાના અનેક સોસાયટી, ફ્લેટના દરવાજા સુધી પાણી ભરાયા છે. ગોદરેજ ગાર્ડન સિટીની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે પરેશાન થયા છે.અમદાવાદ શહેરભરમાં ભરાયેલા વરસાદી પાણીનો ઝડપથી નિકાલ થઈ શકે તે માટે,સાબરમતી નદી પરના વાસણા બેરેજના 14 દરવાજા ખોલવામાં આવ્યા છે. વાસણા બેરેજમાંથી હેઠવાસમાં 17 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
પશ્ચિમ અમદાવાદમાં 68 મી.મિ. વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવરંગપુરામાં નોંધાયો છે. ટાગોર હોલ ખાતે 70, ઉસ્માનપુરા ખાતે 61, ચાંદખેડા ખાતે 52, વાસણા ખાતે 82, રાણીપ ખાતે 64, નવરંગપુરા 90 અને મોટેરા ખાતે 55 મીલિમીટર વરસાદ નોંધાયો છે.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરેરાશ 42 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વિરાટનગર ખાતે વરસાદ નોંધાયો છે. ચકુડિયા ખાતે 45, ઓઢવમાં 41, વિરાટનગરમાં 46, નિકોલમાં 40, રામોલમાં 23, કઠવાડામાં 24, વસ્ત્રાલમાં 39 મીલીમિટર વરસાદ વરસ્યો છે.