વિદેશ જવા આંગડિયા પેઢીમાંથી 80 લાખની ચાંદીની ચોરી ,પ્લાન ઘડી આંગડિયા પેઢીમાં નોકરી લાગ્યા

By: Nation Gujarat Team
22 May, 2026

મોજ-શોખ કરવા, બ્રાંડેડ વસ્તુઓ ખરીદવા અને વિદેશ પ્રવાસ કરવા માટે ચાર મિત્રોએ ચોરીનું ષડયંત્ર રચ્યું અને આંગડિયા પેઢીમાં નોકરી લાગી 80 લાખની ચાંદીની ચોરી કરી. મામલો થાળે પડી જાય ત્યાં સુધી મુખ્ય સૂત્રધાર ભૂગર્ભમાં ઉતરી ગયો. સમગ્ર ઘટના અંગે માહિતી આપતાં એસીપી હિરેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે, રતનપોળમાં આવેલી એચ. પ્રવીણકુમાર આંગડિયા પેઢીમાં કામ કરતો કર્મચારી જીગરસિંહ વિહોલ લાખો રૂપિયાની ચાંદી અને દાગીના ડિલિવરી આપવા માટે ગયો હતો, પરંતુ તક મળતાં જ તે લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી.

બે શખ્સો ચાંદી વેચવા અમદાવાદ આવ્યાની બાતમી મળી

બીજી તરફ ડીસીપી ઝોન-3 રૂપલ સોલંકી અને એસીપી હિરેન્દ્ર ચૌધરીની ટીમને બાતમી મળી હતી કે આ ચોરીનો મુદ્દામાલ વેચવા માટે બે શખ્સ અમદાવાદ આવ્યા છે. જેના આધારે પોલીસે અજય ઠાકોર અને દીપક રાવળને ઝડપી લઇ તેમની પાસેથી 80 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.

જીગરસિંહ ચોરીના મુદ્દામાલ સાથે દીપકના ઘરે પહોંચ્યો

જેમની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, જીગરસિંહ ચોરીનો તમામ મુદ્દામાલ લઈને દીપકના ઘરે સુણવાળા ગામ પહોંચ્યો હતો. ત્યાં જીગરસિંહ, અજય, દીપક અને વિપુલ ઠાકોર ભેગા થયા હતા. ત્યારબાદ જીગરે તમામ દાગીના અજય અને દીપકને સોંપી દીધા હતા અને પોતે ફરાર થઈ ગયો હતો. ચોરીના દાગીના વેચી રૂપિયા ભેગા કરવાની જવાબદારી અજય અને દીપકને સોંપવામાં આવી હતી. પોલીસ તપાસમાં વધુમાં જાણવા મળ્યું છે કે, આરોપીઓ એકબીજાના પરિચિત હતા અને આસપાસના ગામના રહેવાસી હોવાથી અગાઉથી સંપર્કમાં હતા. વિપુલ ઠાકોરે જ જીગરસિંહને આંગડિયા પેઢીમાં નોકરીએ રાખાવ્યો હતો. વિપુલ પોતે પણ અગાઉ આંગડિયા પેઢીમાં કામ કરી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓને મોજ-શોખ અને વિદેશ પ્રવાસ માટે રૂપિયાની જરૂર હતી, જેના કારણે તેમણે આ ચોરીનું કાવતરું રચ્યું હતું. પકડાયેલા આરોપીઓ અગાઉ સિંગાપુર પ્રવાસે પણ જઈ આવ્યા હોવાનું સામે આવ્યું છે.

હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે, જ્યારે સમગ્ર કાંડના માસ્ટરમાઈન્ડ જીગરસિંહ વિહોલ અને વિપુલ ઠાકોરને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.


Related Posts

Load more