અમદાવાદની આનંદ નિકેતન શાળામાં સામે આવેલા નાસ્તામાં કાચનો ટુકડો નીકળવાના ગંભીર બનાવ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળા તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. શાળામાં બાળકોના આરોગ્ય સાથે થયેલા ખીલવાડને ગંભીરતાથી લઈને DEO દ્વારા કેન્ટીન સંભાળતા જવાબદાર વ્યક્તિને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો અને તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાવવાનો સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.
DEO દ્વારા આનંદ નિકેતન શાળાની કેન્ટીન તુરંત અસરથી બંધ કરી દેવાનો આદેશ કરાયો છે. શાળા સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે કે જો તેમની પાસે FSSAIનું માન્ય લાયસન્સ હોય તો તે તાત્કાલિક રજૂ કરવામાં આવે. યોગ્ય તપાસ અને FSSAI ની મંજૂરી મળ્યા બાદ જ કેન્ટીન પુનઃ શરૂ કરી શકાશે. તે સિવાય કેન્ટીન શરૂ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ ઘટના બાદ અમદાવાદ DEO એ તમામ શાળાઓ માટે પણ મહત્વપૂર્ણ આદેશો જાહેર કર્યા છે. હવેથી દરેક શાળા માટે કેન્ટીન ચલાવવા માટે ફૂડ સેફ્ટીનું સર્ટિફિકેટ રાખવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરાક્ષા સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા સમયાંતરે તમામ શાળાઓની કેન્ટીનોમાં સરપ્રાઈઝ ચેકિંગ અને તપાસ હાથ ધરવામાં આવશે. DEO ના આ કડક વલણથી બેદરકાર શાળા સંચાલકોમાં ભારે ફાળ પડી છે.
અમદાવાદની આનંદ નિકેતન સ્કૂલમાં વિદ્યાર્થીના ભોજનમાંથી કાચનો ટુકડો નીકળવાની ગંભીર ઘટના સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે. આટલી મોટી બેદરકારી સામે આવ્યા બાદ પણ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સમગ્ર મામલા પર પડદો પાડવાનો અને ઘટનાને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળક જેવા માસૂમ વિદ્યાર્થીના જીવનું જોખમ ઊભું કરનારા જવાબદારો સામે સ્કૂલ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ જ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. બેદરકાર લોકો સામે પગલાં લેવાના બદલે સ્કૂલ તંત્ર માત્ર વાલીઓ સમક્ષ ચિંતા વ્યક્ત કરીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યું હોવાથી વાલીઓમાં ભારે રોષ અને અસંતોષની લાગણી ફેલાઈ છે.