અમદાવાદમાં જાણે અકસ્માતની વણઝાર સર્જાઇ હોય તેમ અકસ્માતની ઘટના બની રહી છે. હજી થોડા દિવસ પહેલા ઇસ્કોન બ્રિજ પર નબીરાએ મોંઘીદાટ કારથી સામાન્ય લોકોને કચડીને 10 લોકોના જીવ લીધાના અકસ્માતના ઘા રૂઝાયા નથી અને શહેરમાં વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. મણિનગર વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે બેફામ કાર ચલાવીને બાંકડા સાથે અથાડી હતી. જેના કારણે આખી કાર ઊંધી થઇ ગઇ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઇ જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ કારમાં ચારથી પાંચ લોકો પણ હોવાનું સામે આવ્યુ છે. જોકે, કારમાંથી બિયરની બોટલો મળી આવી છે. હાલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, મણિનગર વિસ્તારમાં રવિવારે મોડી રાતે રાજકમલ બેકરી પાસે એક કાર પૂરપાટ સ્પીડમાં આવી રહી હતી. આ ચાલકનો સ્ટિપરિંગ પર કાબુ ન રહેતા કાર બાંકડા સાથે અથાડી દીધી હતી. જેના કારણે આ કાર આખી ઊંધી થઇ ગઇ હતી. તો બીજી બાજુ બાકડા પર લોકો પણ બેઠા હતા પરંતુ તેઓ કાર આવતી દેખાતા ત્યાંથી હટી ગયા હતા. જો તેઓ બાકડાથી ઉભા થવામાં થોડી પણ વાર કરતા તો વિચારી પણ ન શકાય તેવું પણ બની શકતુ હતુ. પરંતુ સદનસીબે ત્યાં બેઠેલા કોઇને પણ કોઇ ઇજા થઇ નથી.આ અકસ્માત થતાની સાથે ત્યાં સ્થાનિકોનું ટોળી ભેગુ થઇ ગયુ હતુ. જ્યાં લોકોએ આક્ષેપ કરતા કહ્યુ હતુ કે, ગાડીમાં સવાર લોકો નશાની હાલતમાં છે. જેના કારણે જ તેઓએ આ અકસ્માત કર્યો છે. સ્થાનિક પોલીસે ઘટના સ્થળ પર આવીને કારમાં તપાસ કરી હતી. આ કારમાંથી બિયરની બોટલો પણ મળી આવી હતી. હાલ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.