અમદાવાદમાં આજે રાત્રે 12 વાગ્યાથી રિક્ષાના પૈડા થંભી જશે! પોલીસ કાર્યવાહીના વિરોધમાં હડતાળની ચીમકી

By: nationgujarat
21 Jul, 2025

Auto Rickshaw Strike: અમદાવાદમાં ઓટોરિક્ષા ચાલકો સામે પોલીસ કાર્યવાહીનો મામલો હડતાળ સુધી પહોંચી ગયો છે. પોલીસ દ્વારા રિક્ષાચાલકોને કથિત રીતે ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે, ઓટોરિક્ષા યુનિયને આજે રાત્રે 12 વાગ્યાથી હડતાળની ચીમકી ઉચ્ચારી છે. જો પોલીસ કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં કરવામાં આવે તો, અમદાવાદના રસ્તાઓ પરથી રિક્ષાના પૈડા થંભી જશે, તેવી યુનિયને સ્પષ્ટ જાહેરાત કરી છે.

રિક્ષાચાલકોનો આક્ષેપ છે કે, પોલીસ પોતાના અધિકારોનો દુરુપયોગ કરીને તેમને ખોટી રીતે પરેશાન કરી રહી છે. રિક્ષા યુનિયન દ્વારા પોલીસ કમિશનરને આવેદન પત્ર આપી જણાવ્યું છે કે રાજ્ય સરકારે ઓટોરિક્ષાને રોજગારના સાધન તરીકે માન્યતા આપવામાં આવી છે, તેમ છતાં પોલીસ દ્વારા એકતરફી કાર્યવાહી કરીને ‘ટાર્ગેટ’ પૂરા કરવા માટે વાહનો જપ્ત કરવામાં આવે છે અને ખોટો દંડ ફટકારવામાં આવે છે.

યુનિયન દ્વારા આ મુદ્દાઓ પર ભાર મૂક્યો

મોટર વ્હીકલ એક્ટનો દુરુપયોગ

રિક્ષાચાલકોનું કહેવું છે કે, મોટર વ્હીકલ એક્ટની કામગીરી ફક્ત ટ્રાફિક પોલીસ દ્વારા જ થવી જોઈએ, પરંતુ અન્ય પોલીસકર્મીઓ પણ તેમાં દખલગીરી કરી રહ્યા છે.

એકતરફી કાર્યવાહી

રિક્ષાચાલકો દાવો કરે છે કે આ પ્રકારની કાર્યવાહી ફક્ત ઓટોરિક્ષા સામે જ કરવામાં આવે છે, જ્યારે બાઈક, ટેક્સી, બસ જેવા અન્ય મુસાફર વાહનો સામે કોઈ કાર્યવાહી થતી નથી.

ભ્રષ્ટાચારના આક્ષેપ

યુનિયન દ્વારા પોલીસ પર ટ્રેક્ટર, ટમ્પર, લક્ઝરી જેવા વાહનો પાસેથી પૈસા લેવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેને તેઓ સખત શબ્દોમાં વખોડે છે.

કાયદાનું પાલન

રિક્ષાચાલકો કાયદા અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા તૈયાર હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ તેના અમલીકરણની રીત ખોટી હોવાનું તેમનું માનવું છે.

યુનિયનની મુખ્ય માંગણી

યુનિયનની મુખ્ય માંગણી છે કે, જે ઓટોરિક્ષાના દસ્તાવેજો સંપૂર્ણ હોય તેમને તાત્કાલિક છોડી દેવામાં આવે અને ખોટી રીતે હેરાનગતિ બંધ કરવામાં આવે. જો આ કાર્યવાહી તાત્કાલિક બંધ નહીં થાય તો, યુનિયન દ્વારા આજે રાત્રે 12 વાગ્યા બાદ અનિશ્ચિતકાલીન હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેના કારણે અમદાવાદના સામાન્ય નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.


Related Posts

Load more