LPGથી માંડી ક્રેડિટ કાર્ડ સુધી… 1 ડિસેમ્બરથી દેશમાં થશે 5 મોટા ફેરફાર, કાર પણ મોંઘી થવાના એંધાણ

By: Nation Gujarat Team
27 Nov, 2026

Rule Change 1st December: નવેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને 1 ડિસેમ્બર 2026થી વર્ષના અંતિમ મહિનાની શરૂઆત સાથે અનેક મહત્ત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના ઘરના બજેટ, કાર ખરીદી, ક્રેડિટ કાર્ડના ઉપયોગ, કમૉડિટી ટ્રેડિંગ અને જીએસટી પ્રક્રિયા પર જોવા મળશે. એવામાં 1 ડિસેમ્બરથી લાગુ થનારા પાંચ મુખ્ય ફેરફારો વિશે વિગતવાર જાણીએ.

LPG સિલિન્ડર અને ATFના ભાવ

દેશમાં દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને 1 ડિસેમ્બર 2026ના રોજ પણ સૌની નજર તેના પર રહેશે. એલપીજીના ભાવમાં ફેરફારની સીધી અસર ઘરના રસોડાથી લઈને રેસ્ટોરન્ટ્સમાં ખાવા-પીવાના ખર્ચ પર પડી શકે છે. છેલ્લા કેટલાક સમયમાં 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં બદલાવ જોવા મળ્યો છે, જ્યારે 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ લાંબા સમયથી સ્થિર રહ્યા છે. આ ઉપરાંત હવાઈ ઇંધણ એટલે કે એટીએફના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.

SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોંઘો થશે

ડિસેમ્બરની પહેલી તારીખથી બીજો મહત્ત્વપૂર્ણ ફેરફાર એસબીઆઈ ક્રેડિટ કાર્ડધારકો માટે છે. 1 ડિસેમ્બર 2026થી અમલમાં આવનારા આ નિયમોની જાણકારી બૅન્ક દ્વારા 27 ઑક્ટોબરના રોજ આપવામાં આવી હતી. નવા ફેરફાર મુજબ, 30 હજાર રૂપિયાથી વધુના ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્ઝૅક્શન અને 50 હજાર રૂપિયાના ફ્યુઅલ ખર્ચ પર 1 ટકા ચાર્જ લાગુ થશે.

કાર ખરીદવી મોંઘી થશે

1 ડિસેમ્બરથી કાર ખરીદનારાઓના ખિસ્સા પર બોજ વધી શકે છે. જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો 1 ડિસેમ્બરથી તેના ભાવ વધવા જઈ રહ્યા છે. પેટ્રોલ-ડીઝલથી લઈને ઇલેક્ટ્રિક સુધીની તમામ કાર આ ભાવવધારામાં સામેલ છે. ટાટા મોટર્સ પૅસેન્જર વ્હીકલ્સ દ્વારા 24 નવેમ્બરના રોજ આ ભાવવધારાની જાહેરાત કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, અલગ-અલગ વૅરિયન્ટ મુજબ ભાવમાં 0.5 ટકા સુધીનો વધારો થઈ શકે છે.

કમૉડિટી ડેરિવેટિવ્ઝમાં ટ્રેડિંગ કરતા લોકો માટે 1 ડિસેમ્બર 2026થી સેબીના માર્જિન નિયમો બદલાઈ રહ્યા છે. નવા નિયમ હેઠળ ટ્રેડર્સે કમૉડિટીના ભાવમાં થતી વધઘટના આધારે શરૂઆતનું માર્જિન રાખવું પડશે. આ માટે ત્રણ શ્રેણી નક્કી કરાઈ છે, જેમાં ઓછી વધઘટવાળી કમૉડિટી પર 6 ટકા, મધ્યમ વધઘટવાળી પર 8 ટકા અને વધુ વધઘટવાળી કમૉડિટી પર 10 ટકા માર્જિન રાખવું જરૂરી રહેશે

1 ડિસેમ્બરથી લાગુ થનારા પાંચમા ફેરફાર હેઠળ સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ સેન્ટ્રલ જીએસટી નિયમ 2017માં સુધારો કર્યો છે, જેને 25 નવેમ્બરના રોજ નોટિફાઈ કરવામાં આવ્યો છે. તેના દ્વારા જીએસટી રજિસ્ટ્રેશન રદ કરવાની અરજીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાત્ર અરજીઓ પર જીએસટી કોમન પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રૉનિક રીતે કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે બાકી રિટર્ન કે બાકી રકમ ધરાવતા કેસો તપાસ માટે સંબંધિત અધિકારી પાસે મોકલવામાં આવશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score