એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શુક્રવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય તપાસ એજન્સી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આરોપી બનાવવા જઈ રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સી કેજરીવાલને મુખ્ય કાવતરાખોર ગણાવીને ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરશે. આ સાથે આમ આદમી પાર્ટી (AAP)ને પણ આરોપી બનાવવામાં આવશે. આ પહેલીવાર છે જ્યારે કોઈ રાષ્ટ્રીય પક્ષને ભ્રષ્ટાચારના કેસમાં આરોપી બનાવવામાં આવશે.
નાણાકીય વર્ષ 2021-22માં દિલ્હી સરકાર દ્વારા બનાવવામાં આવેલી એક્સાઇઝ પોલિસી અંગે ED અને CBIનો દાવો છે કે તેમાં ભ્રષ્ટાચાર હતો. આરોપ છે કે વિવાદાસ્પદ નીતિમાં દારૂના વેપારીઓને અન્યાયી રીતે ફાયદો થયો હતો અને તેના બદલામાં લાંચ લેવામાં આવી હતી. EDનું કહેવું છે કે લાંચના પૈસાનો સૌથી વધુ ફાયદો આમ આદમી પાર્ટીને મળ્યો. આરોપ છે કે લાંચના પૈસાનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો. આ જ કારણ છે કે ઈડી આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા જઈ રહી છે.
નિષ્ણાતોનું માનવું છે કે આરોપી બનાવવાથી એ આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મુશ્કેલ સમયની શરૂઆત હોઈ શકે છે. પાર્ટીની પ્રોપર્ટી, બેંક એકાઉન્ટ અને માન્યતા પર પણ સંકટ આવી શકે છે. EDની જોગવાઈઓને જોતા કેટલાક નિષ્ણાતો કહે છે કે પાર્ટી માટે આ અત્યાર સુધીની સૌથી મોટી સમસ્યા છે.એક તરફ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે તો બીજી તરફ ED ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી છે. સૂત્રોનું કહેવું છે કે ED કેજરીવાલને મુખ્ય કાવતરાખોર અને કિંગપિન તરીકે ચાર્જશીટ દાખલ કરશે. જેમાં બીઆરએસ નેતાની કવિતાનું નામ પણ સામેલ હોઈ શકે છે. અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.