Babubhai Solanki News: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Local Body Election) ના પડઘમ વાગી ચુક્યાં છે ત્યારે ઉમેદવારોની પસંદગીમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party – AAP) ની એક મોટી બેદરકારી સામે આવતા હાસ્ય અને વિવાદ બંને સર્જાયા છે. વિરમગામ તાલુકાની ઓગણ બેઠક (Ogan Seat) પર પક્ષે જેનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું છે, તે વ્યક્તિ પોતે જ આશ્ચર્યમાં મુકાઈ ગઈ છે.
વિગતો મુજબ, AAP એ ઓગણ બેઠક પરથી બાબુભાઈ સોલંકી (Babubhai Solanki) ને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જોકે, હકીકત એ છે કે બાબુભાઈ સોલંકી વર્ષોથી ભારતીય જનતા પાર્ટી (BJP) ના સક્રિય કાર્યકર છે. આ જાહેરાત બાદ જ્યારે ગામલોકોએ બાબુભાઈને અભિનંદન આપવાનું શરૂ કર્યું ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમનું નામ આમ આદમી પાર્ટીની યાદીમાં છે. બાબુભાઈએ તાત્કાલિક મીડિયા સમક્ષ આવીને સ્પષ્ટતા કરી હતી કે, “મારે આમ આદમી પાર્ટી સાથે કોઈ જ લેવા-દેવા નથી. હું વર્ષોથી ભાજપની વિચારધારા સાથે જોડાયેલો સક્રિય કાર્યકર છું.”
બાબુભાઈએ વધુમાં ઉમેર્યું કે, “મારું નામ મારી સંમતિ વગર અને ખોટી રીતે યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. મેં ક્યારેય AAP પાસે ટિકિટ માંગી નથી કે તેમના કોઈ ફોર્મ ભર્યા નથી.” આ ઘટનાને પગલે વિરમગામ પંથકમાં AAP ની ગંભીર ક્ષતિ અને ઉમેદવાર પસંદગી પ્રક્રિયા સામે સવાલો ઉઠી રહ્યા છે. રાજકીય વિશ્લેષકો આ ઘટનાને પાયાના સ્તરે પક્ષના નબળા સંગઠન અને તપાસ વગરના નિર્ણયો તરીકે જોઈ રહ્યા છે. બીજી તરફ, સોશિયલ મીડિયામાં આ કિસ્સો ભારે ચર્ચામાં રહ્યો છે કે શું કોઈ પક્ષ વિરોધ પક્ષના કાર્યકરને પૂછ્યા વગર જ પોતાનો ઉમેદવાર બનાવી શકે? હાલ તો આ છબરડાએ ‘આપ’ ની છબી પર અનેક સવાલો ઉભા કર્યા છે.