અમદાવાદમાં AAP મહામંત્રી મનોજ સોરઠિયાના પુસ્તક ‘એમાં મારે શું’નું વિમોચન, લોકશાહીના મહત્વ પર કર્યો ભાર

By: Nation Gujarat Team
26 Nov, 2026

અમદાવાદ: આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાના પુસ્તક ‘એમાં મારે શું’નું અમદાવાદમાં વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય, શૈક્ષણિક અને સામાજિક ક્ષેત્રના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પુસ્તકના વિમોચન પ્રસંગે મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, આ પુસ્તક કોઈ રાજકીય પક્ષના સમર્થન કે વિરોધમાં નથી, પરંતુ માત્ર લોકશાહીની વકાલત કરે છે. સામાન્ય નાગરિકો લોકશાહી, પોતાના અધિકારો અને સંયુક્ત જવાબદારીઓ પ્રત્યે જાગૃત બને તે હેતુથી પુસ્તક લખવામાં આવ્યું છે.

પુસ્તક વિમોચન પ્રસંગે અનેક મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

અમદાવાદમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્રી અને લેખક પ્રો. હેમંતકુમાર શાહ, સાયન્સ કોલેજના નિવૃત્ત આચાર્ય ડૉ. કિશોરભાઈ દેસાઈ, રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ, આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાતના પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ખેડૂત આગેવાન સાગર રબારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત AAP ગુજરાતના સહપ્રભારી દુર્ગેશ પાઠક અને ગુલાબસિંહ યાદવ, કિસાન મોરચાના અધ્યક્ષ પ્રવીણ રામ તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરો પણ કાર્યક્રમમાં જોડાયા હતા.

‘એમાં મારે શું?’ની માનસિકતા લોકશાહી માટે પડકારરૂપ: મનોજ સોરઠિયા

પુસ્તકના હેતુ અંગે મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, સામાન્ય નાગરિક પોતાના ઘર અને પરિવારના પ્રશ્નો સિવાય જાહેર જીવન સાથે જોડાયેલા અનેક મુદ્દાઓને ‘એમાં મારે શું?’ કહીને નજરઅંદાજ કરે છે. પરંતુ લોકશાહી વ્યવસ્થામાં નાગરિકોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. સદીઓના સંઘર્ષ અને અનુભવો બાદ પ્રાપ્ત થયેલી લોકશાહીને ટકાવી રાખવાની જવાબદારી માત્ર સરકાર કે રાજકીય પક્ષોની નહીં, પરંતુ દરેક નાગરિકની છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, લોકશાહીમાં સામાન્ય નાગરિકનું સૌથી મોટું યોગદાન તેનું મતદાન છે. જ્યારે જંગલ વિસ્તારમાં માત્ર એક મતદાર માટે પણ ચૂંટણી પંચ, ચૂંટણી કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓની ટીમ મતદાનની વ્યવસ્થા કરવા પહોંચે છે, ત્યારે દરેક મતનું મહત્વ સમજી શકાય છે. આવી સ્થિતિમાં નાગરિકોએ મતદાનથી દૂર રહેવાને બદલે લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવો જોઈએ.

પુસ્તકમાં 2500 વર્ષ જૂની વૈશાલીની લોકશાહીથી આજના વૈશ્વિક બનાવોનો ઉલ્લેખ

મનોજ સોરઠિયાએ જણાવ્યું હતું કે, ‘એમાં મારે શું’ પુસ્તક કોઈ કાલ્પનિક વાર્તા કે કહાની નથી. તેમાં માનવ ઇતિહાસમાં લોકશાહી અને નાગરિક અધિકારોને જીવંત રાખવા માટે થયેલા પ્રયાસોની સત્ય ઘટનાઓ રજૂ કરવામાં આવી છે. આશરે 2500 વર્ષ પહેલાં વૈશાલીમાં ચાલતી લોકશાહીથી લઈને આઝાદી પછીના સમયગાળામાં લોકશાહી અને નાગરિક અધિકારોને લગતા પ્રશ્નો સુધીની બાબતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

તેમના જણાવ્યા અનુસાર, પુસ્તકનો ઉદ્દેશ વાચકોને ઇતિહાસની ઘટનાઓના માધ્યમથી લોકશાહીનું મહત્વ સમજાવવાનો અને નાગરિકોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત કરવાનો છે.

સરકારને સવાલ પૂછવા અને મતદાનમાં ભાગ લેવા નાગરિકોને અપીલ

મનોજ સોરઠિયાએ વધુમાં કહ્યું કે, મતદાન ન કરવું અથવા સરકારને સવાલ પૂછતાં ડરવું એ લોકશાહી વ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદરૂપ નથી. સત્તામાં કોઈ પણ પક્ષ હોય, નાગરિકોએ પોતાના અધિકારો અને જવાબદારીઓ અંગે જાગૃત રહેવું જોઈએ. લોકશાહીનો અર્થ માત્ર ચૂંટણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં સરકારને સવાલ પૂછવા, જાહેર પ્રશ્નો પ્રત્યે નિસબત રાખવા અને બંધારણીય અધિકારોનો ઉપયોગ કરવાની જવાબદારી પણ સામેલ છે.

તેમણે જણાવ્યું કે, પુસ્તક દ્વારા ગુજરાતના મતદારો અને છેવાડાના નાગરિક સુધી લોકશાહીનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકશાહીનું મહત્વ સમજાય અને લોકો જાહેર પ્રશ્નોમાં પોતાની ભૂમિકા ઓળખે તે માટે સરળ ભાષામાં પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે.

‘આ પુસ્તક કોઈ પક્ષના વિરોધ કે સમર્થનમાં નથી’

પુસ્તક અંગે સ્પષ્ટતા કરતાં મનોજ સોરઠિયાએ કહ્યું કે, ‘એમાં મારે શું’ કોઈ રાજકીય પક્ષના સમર્થન કે વિરોધમાં લખાયેલું પુસ્તક નથી. તેનો મુખ્ય હેતુ લોકશાહીની વકાલત કરવાનો છે. આજની પેઢી અને ભાવિ પેઢી માટે લોકશાહીને માપવાના માપદંડો કયા હોવા જોઈએ, નાગરિક અધિકારોનું મહત્વ શું છે અને લોકશાહી વ્યવસ્થામાં લોકોની જવાબદારી કેવી હોવી જોઈએ તેવા મુદ્દાઓ પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યા છે.

તેમણે ગુજરાતના વાચકોને પુસ્તક વાંચવાની અપીલ કરતાં જણાવ્યું કે, વાચકો પુસ્તક અંગે પોતાનો અભિપ્રાય આપે અને તેમાં કોઈ કચાશ જણાય તો તે અંગે લેખિતમાં સૂચનો પણ મોકલે. લોકશાહી, બંધારણીય અધિકારો અને નાગરિકોની સંયુક્ત જવાબદારી અંગે વધુમાં વધુ લોકો જાગૃત બને તે જ આ પુસ્તક લખવા પાછળની મુખ્ય ભાવના છે.


 


Related Posts

Load more
Follow Us

Live Cricket Score