Surat: દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં આજે (8 જાન્યુઆરી) સાંજે યોજાનારી આમ આદમી પાર્ટી (AAP)ની ‘પરિવર્તન સભા’ પૂર્વે જ મોટો વિવાદ સર્જાયો છે. AAP નેતાઓના મુસ્લિમ ટોપી પહેરેલા એડિટ કરેલા પોસ્ટરો જાહેર સ્થાનો પર લગાવવામાં આવતા વિશ્વ હિન્દુ પરિષદ (VHP) મેદાનમાં આવ્યું છે. VHP કાર્યકર્તાઓએ આ પોસ્ટરો પર કાળી શાહી ફેંકી, તે ફાડી નાખીને પોતાનો આક્રોશ ઠાલવ્યો છે.
શું છે સમગ્ર પોસ્ટર વિવાદ?
ગોડાદરા વિસ્તારમાં ઠેર-ઠેર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, ચૈતર વસાવા અને મનોજ સોરઠિયાના ફોટા ધરાવતા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા. આ પોસ્ટરોમાં વિવાદનું મુખ્ય કારણ બે બાબતો હતી. તમામ નેતાઓના માથા પર મુસ્લિમ ટોપી પહેરેલી હોય તેવા ફોટા એડિટ કરીને મૂકવામાં આવ્યા હતા.
પોસ્ટર પર નિમંત્રક તરીકે “મીઠી ખાડી મુસ્લિમ સમાજ”નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સ્થળ હિન્દુ બહુમતી ધરાવતો વિસ્તાર હોવાથી અને તેમાં મુસ્લિમ સમાજ તરફથી આમંત્રણ પાઠવતા આવા પોસ્ટરો જોઈને સ્થાનિક હિન્દુ સંગઠનો લાલઘુમ થઈ ગયા હતા.
VHPનો આક્રમક વિરોધ અને ‘મુઘલો’ સાથે સરખામણી
ગઈકાલે મોડી રાતથી જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ગોડાદરામાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. કાર્યકરોએ ગોપાલ ઈટાલિયા સહિતના નેતાઓના પોસ્ટરો પર શાહી લગાવી હતી અને “હિન્દુ વિરોધી નેતાઓને અમારા વિસ્તારમાં આવવા નહીં દઈએ” તેવા સૂત્રોચ્ચાર કર્યા હતા.
વિરોધ કરી રહેલા VHPના એક કાર્યકર્તાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “જેમ ભૂતકાળમાં બાબર અને ઔરંગઝેબ જેવા મુઘલો ધીરે-ધીરે પગપેસારો કરતા હતા, તેવી જ રીતે AAP અહીં પોતાનો પગ પેસારો કરવાનો પ્રયાસ કરી રહી છે. આજે આ નેતાઓ આવ્યા છે, કાલે તેમની પાછળ અન્ય વિધર્મીઓ આવશે અને પરિણામે લવ-જેહાદ તથા ચેઈન-સ્નેચિંગ જેવી ઘટનાઓ વધશે. અમે આ સહન નહીં કરીએ.”
કાયદો અને વ્યવસ્થા સામે પડકાર
આજે રાત્રે 8 વાગ્યે યોજાનારી આ સભાને લઈને ગોડાદરા વિસ્તારમાં હાલ ભારે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. એક તરફ આમ આદમી પાર્ટી સભા યોજવા માટે મક્કમ છે, તો બીજી તરફ હિન્દુ સંગઠનોએ આ સભાના વિરોધમાં આક્રમક વલણ અપનાવ્યું છે. સભા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે.