ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે રાજીનામું આપ્યું છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સોંપ્યું રાજીનામું. ભૂપત ભાયાણીએ રાજીનામા પર કહ્યું કે, મેં મારા કાર્યકર્તા અને મતદારોને પૂછીને આ નિર્ણય કર્યો છે.
હું રાષ્ટ્રવાદી માણસ છું અને રાષ્ટ્રના હિતમાં કામ કરવા મારા માટે આમ આદમી પાર્ટી યોગ્ય પ્લેટફોર્મ નહોતું. જેથી કરીને મેં મારી જનતા અને કાર્યકર્તાઓને પૂછી મેં નિર્ણય કર્યો છે. કઈ પાર્ટી રાષ્ટ્રવાદી છે અને કઈ પાર્ટી રાષ્ટ્રવાદી નથી એ દેશની જનતા જ જાણે છે. મારે જનતાના કામ કરવા છે. મને યોગ્ય પ્લેટફોર્મ ન લાગતા મેં નિર્ણય લીધો છે.
ભૂપતભાઈ રાજીનામું આપી દેશે તેવા સંકેત આજથી ઠીક 364 દિવસ અગાઉ આપ્યા હતા. એબીપી અસ્મિતાના કાર્યક્રમ હું તો બોલીશમાં ભાયાણીએ પરોક્ષ રીતે રાજીનામું આપવાની એટલુ જ નહીં ભાજપ સાથેના સંબંધોની પણ કરી હતી કબૂલાત. 11 ડિસેમ્બર એ દિવસ હતો જ્યારે ભૂપેન્દ્ર પટેલની નવી સરકારનો શપથ ગ્રહણનો બીજો દિવસ હતો. જો કે ત્યારે ભાયાણીએ પત્રકાર પરિષદ કરી હતી. અને યુ-ટર્ન લઈને ઘીના ઠામમાં ઘી ઠર્યું હતું.
વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપશે રાજીનામું. ગુજરાત વિધાનસભા ફરી એકવાર ખંડિત થશે. ભાયાણીના રાજીનામા આપ્યા બાદ AAPનું સંખ્યાબળ ઘટીને ચાર થશે. ભૂપત ભાયાણી રાજીનામું આપતા રાજ્ય વિધાનસભા થશે ખંડિત. ભાયાણીના રાજીનામાથી વિધાનસભાનું સંખ્યાબળ 181 થશે.
2022ની ચૂંટણી જીતી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા ભાયાણી. ભાજપના હર્ષદ રિબડીયાને હરાવી ભાયાણી બન્યા હતા MLA.
ભૂપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયા સામે 7 હજાર 63મતે ચૂંટણી જીતી હતી. ભૂપત ભાયાણીએ બે વર્ષ અગાઉ ભાજપ પાર્ટી છોડી હતી. તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્ય પણ રહી ચૂક્યા છે. કોરોના કાળમાં ભેંસાણમાં કોવિડ સેન્ટર ખોલી લોકોને મદદ કરી હતી.
નોંધનીય છે કે, શપથવિધિના એક દિવસ પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી ગયો હતો. આદ આદમી પાર્ટીના ઉમેદવાર અને વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી બીજેપીમાં જોડાશે તેવી વાતો વહેતી થઈ હતી.
જોકે તે સમયે ભાજપમાં જોડાવાની અફવા અંગે ભૂપત ભાયાણીએ એબીપી અસ્મિતા સાથે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી. ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવા અંગે નરો વાં કુંજરવાં જેવો જવાબ આપ્યો હતો. ભૂપત ભાયાણીની ભાજપમાં જોડાવા અંગે ‘જો અને તો ‘વાત સામે આવી છે. તેમણે કહ્યું કે, જો મારા વિસ્તારની જનતા કહેશે તો હું ભાજપમાં જોડાઈશ.
તે સમયે તમણે વધુમાં કહ્યું હતું કે, હું મારા કામથી અહીંયા ગાંધીનગર આવ્યો હતો. મેં કંઈ વિચાર્યું નથી કંઈ નિર્ણય નથી લીધો. મારા વિસ્તારનું ભલું કેવી રીતે થાય તેવું હું વિચારીશ. મારા સમર્થકો કાર્યકર્તાઓ અને ખેડૂતો સાથે મળીને નિર્ણય લેવાનો છું. મે લોકડાઉનનો ભંગ કર્યો હતો એટલે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આમ હું રાજકીય કિન્નાખોરીનો ભોગ બન્યા હતો. હું બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર રહ્યો છું. ભાજપે મને કોઈ ઓફર કરી નથી. મારી જનતાને મળીને હું નિર્ણય લઈશ. મારા મનમાં નરેન્દ્રભાઈ, અમિતભાઈ અને પાટીલ પ્રત્યે લાગણી છે.