​સાણંદ પાસે કાણેટી ગામે કુમકુમ મંદિર દ્વારા ભવ્ય સત્સંગ સભા યોજાઈ.

By: Nation Gujarat Team
29 Sep, 2026

સાણંદમાં ઉદ્યોગોના વ્હીલ ફરીને વિકાસ થાય તે પ્રશંસનીય છે, પરંતુ હાથમાં માળા ફરશે ત્યારે જ સાચી શાંતિ મળશે – પ્રેરક વક્તા સાધુ પ્રેમવત્સલદાસજી

​
શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ, મણિનગર (અમદાવાદ) દ્વારા સાણંદ નજીક આવેલા કાણેટી ગામના પ્રસુવા પેલેસ ખાતે ભક્તિભાવપૂર્વક કીર્તનભક્તિ તથા ભવ્ય સત્સંગ સભાનું ઉત્સાહભેર આયોજન સંપન્ન થયું હતું.

પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી, જીવનપ્રાણ સ્વામીબાપા તથા સદ્ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રસન્નતા અર્થે આયોજિત આ દિવ્ય ધર્મસભામાં સાણંદ, કાણેટી તેમજ અમદાવાદ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

​આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જાણીતા મોટિવેશનલ સ્પીકર અને પ્રેરક વક્તા સાધુ પ્રેમવત્સલદાસજી સ્વામીએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, “આજે સાણંદ સમગ્ર વિશ્વમાં એક મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું છે, જેને કારણે અહીં ખૂબ આર્થિક સમૃદ્ધિ આવી છે અને લોકો સફળતાપૂર્વક ખૂબ ધન કમાઈ રહ્યા છે. પરંતુ આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે પૈસાની સાથે જો પરમેશ્વર નહીં જોડાય, તો ગમે તેટલી ભૌતિક સંપત્તિ કે સફળતા મળશે તોપણ માનવ જીવનનો સાચો હેતુ સિદ્ધ નહીં થાય. વિકાસની સાથે સાથે આપણાં બાળકોમાં ઉચ્ચ ભારતીય સંસ્કારોનું સિંચન થાય તે અત્યંત અનિવાર્ય છે.

દરેક ઘરમાં રોજ સવારે અને સાંજે પ્રાર્થના, ઘર સભા, ધ્યાન અને ભજન-કીર્તન થવાં જોઈએ.”

​તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સાણંદના ઔદ્યોગિક ક્ષેત્રમાં માત્ર ફેક્ટરીઓના મશીનોના વ્હીલ ફરવાથી શાંતિ નહીં મળે; મશીનો સાથે મુમુક્ષુઓના હાથમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના મંત્ર જાપ સાથેની માળા પણ ફરવી જોઈએ. આજના ભાગદોડભર્યા યુગમાં હાથમાં ફક્ત સ્માર્ટફોન ફરશે તો શાંતિ નહીં મળે, પરંતુ હાથમાં માળા ફરશે તો જ આંતરિક શાંતિ પ્રાપ્ત થશે. સાચી શાંતિ માત્ર પૈસાથી ખરીદી શકાતી નથી. જીવનમાં માનસિક તણાવ અને ડિપ્રેશનમાંથી મુક્ત થવા માટે ‘મેડિસિન’ (દવાઓ) ની નહીં, પરંતુ ‘મેડિટેશન’ (ધ્યાન-ભક્તિ) ની જરૂર છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારવાથી વ્યક્તિ આંતરિક રીતે અડગ અને સુખી બને છે.”

​આ પ્રસંગે કુમકુમ મંદિરના મહંત શાસ્ત્રી શ્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, “માનવ જીવનમાં સાચું સુખ અને સ્થિરતા પ્રાપ્ત કરવા માટે ભક્તિ, સત્સંગ અને સદાચારને પ્રથમ પ્રાધાન્ય આપવું અનિવાર્ય છે. સત્સંગના સંગથી જ જીવનની તમામ વિટંબણાઓ અને મુશ્કેલીઓનો સકારાત્મક ઉકેલ સાંપડે છે. જે પરિવારમાં રોજ સત્સંગ અને ભગવાનની આરાધના થાય છે, તે પરિવારમાં સદાય સુખ, સંપ અને શાંતિનો વાસ રહે છે.”

​સમગ્ર કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે શ્રી પ્રદીપસિંહ સુરસિંહ વાઘેલા (પ્રસુવા પરિવાર, કાણેટી) તથા કિશોરભાઈ ઠક્કર (સજાવટ પરિવાર) એ ખૂબ જ ઉત્સાહપૂર્વક તન, મન અને ધનથી સેવા-સાથ સહકાર પૂરો પાડ્યો હતો. સભાના અંતે પધારેલા તમામ હરિભક્તો અને ધર્મપ્રેમી જનતાએ સમૂહમાં મહાપ્રસાદનો ભાવપૂર્વક લાભ લીધો હતો.

સમગ્ર સભા દિવ્ય અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી.


Related Posts

Load more