અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો.

By: Nation Gujarat Team
08 Dec, 2025

BAPSના હરિભક્તો અને સૌ કોઈ ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા તેવા ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’નો રંગારંગા કાર્યક્રમ રવિવારે અમદાવાદના આંગણે યોજાયો. મહંત સ્વામિની ઉપસ્થિતિમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયેલા આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવાકાર્યોને શ્રેણીબદ્ધ પ્રસ્તુતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહંત સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા. કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, આંબલીવાળી પોળ સમગ્ર વિશ્વ માટે મુલાકાત માટેનું અવિસ્મરણીય સ્થાન બનશે.

સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્સવની ભવ્ય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બી.એ.પી.એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને ૧૯૫૦માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે બી.એ.પી.એસ.ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે મહંત સ્વામીના આશીર્વાદ લીધા અમદાવાદના આંગણે યોજાયેલા BAPSના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે હાજરી આપી મહંત સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમિત શાહે પ્રમુખસ્વામી મહારાજ સાથે તેઓના અનેક સંસ્મરણોને યાદ કર્યા હતા અને પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત, પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ગતિમાન બી.એ.પી.એસ.ની આધ્યાત્મિક અને સામાજિક સેવાઓની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમના અંતે આરતી અને ભવ્ય આતશબાજી કરવામાં આવી કાર્યક્રમની પૂર્ણાહૂતિ સમયે મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો અને લગભગ 50 હજાર હરિભક્તોએ સાથે મળીને આરતી કરી ત્યારે અલૌકિક માહોલ રચાયો હતો. બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ભવ્ય આતશબાજી સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવની જય’ ના નાદ સાથે આ ઐતિહાસિક અવસરનું સમાપન થયું હતું.


Related Posts

Load more