લંડનના શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિરે રાષ્ટ્રીય પક્ષી ‘મોર’ની દિવ્ય થીમ પર ભવ્ય હિંડોળા ઉત્સવ યોજાયો.

By: Nation Gujarat Team
08 Aug, 2026

સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ – સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ — લંડન ખાતે ભારત દેશના રાષ્ટ્રીય પક્ષી ‘મોર’ (Peacock) ની અદ્ભુત થીમ પર વિશેષ હિંડોળો તૈયાર કરીને તેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા.

લંડન જેવા વૈશ્વિક મહાનગરમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકની થીમ પર સજાવવામાં આવેલા આ દિવ્ય હિંડોળાના દર્શનનો લાભ અનેક ભાવિક ભક્તોએ લીધો હતો.

​🦚
​આ આયોજન અંગે વિશેષ માહિતી આપતા કુમકુમ મંદિરના જાણીતા મોટીવેશનલ સ્પીકર અને વિદ્વાન સંત પૂજ્ય સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,

​”લંડન જેવા પશ્ચિમી વાતાવરણ ધરાવતા શહેરમાં પણ આપણી સનાતન ભારતીય સંસ્કૃતિ, પરંપરાઓ અને સંસ્કારો અમર રહે તે હેતુથી મંદિરમાં તમામ તહેવારો ધામધૂમથી ઉજવાય છે.

આ વખતે ભારતના રાષ્ટ્રીય પક્ષી ‘મોર’ ની થીમ પર હિંડોળો તૈયાર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, વિદેશમાં જન્મતી અને ઉછરતી આપણી નવી પેઢી પોતાના મૂળ અને ભારતીય રાષ્ટ્રીય પ્રતીકોથી પરિચિત થાય અને ગૌરવ અનુભવે.”

મોર અત્યંત સુંદર હોવા છતાં તેના ચરણો તરફ જોઈને હંમેશા નમ્ર રહે છે, તેમ માનવીએ ગમે તેટલી સફળતા મળે તો પણ અહંકાર છોડી નમ્ર બનવું જોઈએ.

વાદળો જોઈને મોર જેમ કળા કરીને નાચે છે, તેમ મુશ્કેલીઓના વાદળો વચ્ચે પણ માણસે શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભરોસે આનંદિત રહેવું જોઈએ.


હિંડોળાના માધ્યમથી પ્રેરક સંદેશો આપતા સાધુ પ્રેમ વત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ​”જેમ કોઈ પણ હિંડોળો બે થાંભલા (બે સ્તંભ) પર જ સ્થિર રહીને ઝૂલી શકે છે, તેમ માનવ જીવન રૂપી હિંડોળો પણ સફળ ત્યારે જ બને જ્યારે તેમાં ‘સાંસારિક જવાબદારીઓ’ અને ‘આધ્યાત્મિકતા’ – બંને સ્તંભોનું યોગ્ય સંતુલન હોય.”

​ વિદેશની ધરતી પર માત્ર ભૌતિક સુખ અને પૈસા કમાવા પૂરતું જીવન મર્યાદિત ન રહેવું જોઈએ.

જો શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સદબોધને યાદ રાખવામાં નહીં આવે, તો વિપુલ સંપત્તિ હોવા છતાં સાચું સુખ કે શાંતિ મળશે નહીં.

સંતોષ, સદાચાર અને સંસ્કાર જેવા ગુણો હશે તો જ જીવનમાં અખંડ શાંતિ પ્રાપ્ત થશે.


Related Posts

Load more