અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવારની મહિલા બની ડ્રગ્સ પેડલર, એક વર્ષથી કરતી નશાનો કારોબાર

By: Nation Gujarat Team
27 Nov, 2026

Ahmedabad MD Drugs Case: અમદાવાદના એક પ્રતિષ્ઠિત પરિવારની મહિલા હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને મોજશોખ પૂરા કરવા માટે ડ્રગ્સ પેડલર બની હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વસ્ત્રાલ પોલીસે બાતમીના આધારે જલસાગર સોસાયટીના મકાન નંબર 56માં દરોડો પાડીને મહિલાની ધરપકડ કરી છે. પોલીસે તેની પાસેથી 2 લાખ 53 હજારથી વધુના મૂલ્યનું 84.610 મિલીગ્રામ બિસ્કિટ ફોર્મેટનું MD ડ્રગ્સ જપ્ત કર્યું. તપાસમાં સામે આવ્યું છે કે 17 વર્ષના લગ્નજીવન બાદ પારિવારિક અણબનાવને કારણે મહિલા દોઢ વર્ષથી પુત્રી સાથે અલગ રહેતી હતી. પોતાના મોંઘા શોખ પૂરા કરવા તે છેલ્લા એક વર્ષથી ખુલ્લેઆમ ડ્રગ્સ વેચતી હતી. હાલ પોલીસે તેને ડ્રગ્સ સપ્લાય કરનાર રાયપુર દરવાજાના મોહમ્મદ નામના શખ્સની શોધખોળ તેજ કરી છે જેની ધરપકડ બાદ મોટા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે છે.

અમદાવાદમાં પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંકળાયેલી એક મહિલા પોતાની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને મોંઘા મોજશોખ પૂરા કરવા માટે MD ડ્રગ્સના કારોબારમાં જોડાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વસ્ત્રાલ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને સોનલ જીતેન્દ્ર પટેલ નામની મહિલાની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા છેલ્લા એક વર્ષથી MD ડ્રગ્સનું વેચાણ કરતી હતી. તેની પાસેથી અંદાજે 2.53 લાખ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી જલસાગર સોસાયટીના મકાન નંબર 56માં MD ડ્રગ્સનું વેચાણ થતું હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે વસ્ત્રાલ પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન સોનલ જીતેન્દ્ર પટેલ નામની મહિલાને ઝડપી લેવામાં આવી હતી. પોલીસે તેની પાસેથી 84.610 મિલીગ્રામ બિસ્કિટ ફોર્મેટમાં રહેલું MD ડ્રગ્સ કબજે કર્યું હતું, જેની અંદાજિત બજાર કિંમત રૂ. 2.53 લાખ હોવાનું સામે આવ્યું છે.

પતિથી અલગ રહેતી હતી મહિલા

પોલીસ તપાસમાં મહિલાના પારિવારિક જીવન અંગે પણ વિગતો સામે આવી છે. સોનલ પટેલનાં લગ્નજીવનને 17 વર્ષ થયાં છે અને તેને એક પુત્ર તથા એક પુત્રી છે. છેલ્લા દોઢ વર્ષથી પારિવારિક અણબનાવને કારણે તે પોતાની પુત્રી સાથે વસ્ત્રાલની જલસાગર સોસાયટીમાં અલગ રહેતી હતી, જ્યારે તેનો પતિ અને પુત્ર અન્ય સોસાયટીમાં રહેતા હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

મોંઘા શોખ પૂરા કરવા ડ્રગ્સના કારોબારમાં જોડાઈ હોવાનો પોલીસનો દાવો

વસ્ત્રાલ પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, સોનલ પટેલ છેલ્લા એક વર્ષથી MD ડ્રગ્સના વેચાણમાં સંકળાયેલી હતી. પોતાની હાઈપ્રોફાઈલ લાઈફસ્ટાઈલ અને મોંઘા મોજશોખના ખર્ચા પૂરા કરવા માટે તેણે નશાના કારોબારનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસનું કહેવું છે. પ્રતિષ્ઠિત પરિવાર સાથે જોડાયેલી મહિલા ડ્રગ્સના વેચાણમાં ઝડપાતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. આ કેસમાં પોલીસ તપાસ દરમિયાન ડ્રગ્સ સપ્લાય કરનાર તરીકે રાયપુર દરવાજાના મોહમ્મદ નામના શખ્સનું નામ સામે આવ્યું છે. હાલ વસ્ત્રાલ પોલીસે તેની ધરપકડ કરવા માટે તપાસ તેજ કરી છે. પોલીસ મોહમ્મદ સુધી પહોંચીને ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવતો હતો અને આ કારોબારમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ કરી રહી છે. હાલ પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score