Nepal Earthquake : નેપાળમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ભૂકંપ ગુરુવારે સવારે સાડા ચાર વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 73 કિલોમીટર નીચે હતું અને ભૌગોલિક રીતે નેપાળમાં 27.671 ઉત્તર અક્ષાંશ અને 87.987 પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ જાનમાલના નુકસાનની સત્તાવાર માહિતી સામે આવી નથી.
નેપાળ પહેલા 1 નવેમ્બરના રોજ જાપાનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.0 નોંધાઈ હતી. જોકે, સારી વાત એ હતી કે આટલી મોટી તીવ્રતા હોવા છતાં ત્યાં કોઈ જાનહાનિ કે મોટું નુકસાન થયું ન હતું.
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો, પૃથ્વીની ઉપરની સપાટી ઘણી નાની-મોટી પ્લેટોમાં વહેંચાયેલી છે. આ ટેક્ટોનિક પ્લેટો સતત ધીમી ગતિએ ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો એકબીજા સાથે ટકરાય છે અથવા એકબીજા પર ઘસાય છે, ત્યારે જમીનની નીચે ભારે દબાણ અને ઊર્જા ઉત્પન્ન થાય છે. જ્યારે આ ઊર્જા અચાનક બહાર નીકળવાનો પ્રયાસ કરે છે, ત્યારે ધરતી ધ્રૂજવા લાગે છે જેને આપણે ભૂકંપ કહીએ છીએ.
ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર માપવામાં આવે છે. સામાન્ય રીતે 7.0 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ ખૂબ જ વિનાશક માનવામાં આવે છે. 4.5 કે તેથી વધુ તીવ્રતાનો ભૂકંપ ઇમારતોને નુકસાન પહોંચાડી શકે છે. જ્યારે 2.0 કે તેથી ઓછી તીવ્રતાના ભૂકંપને ‘માઇક્રો ભૂકંપ’ કહેવાય છે, જે મોટાભાગે લોકો અનુભવી પણ શકતા નથી.