Kheda -મોબાઈલ ફોન લૂંટીને ભાગી રહેલા તસ્કરને પકડવા જતા યુવકનું મોત

By: Nation Gujarat Team
10 Nov, 2026

Kheda News: ખેડા જિલ્લાના ઠાસરામાં (Thasra) મોબાઈલ લૂંટની એક ઘટનાનો અત્યંત કરુણ અંજામ આવ્યો છે. મોબાઈલ ફોન લૂંટીને ભાગી રહેલા તસ્કરને પકડવા માટે દોડેલા યુવકનું તળાવમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ઠાસરા બસ સ્ટેન્ડ પાછળ આવેલી ભૂલી તલાવડીમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. મોબાઈલ લૂંટ જેવી ઘટનામાં એક યુવકનો જીવ જતાં સમગ્ર ઠાસરા પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ છવાયો છે.

વહેલી સવારે ગલ્લા પર આવ્યો અજાણ્યો શખ્સ

મળતી માહિતી પ્રમાણે, 9 નવેમ્બર 2026 ના રોજ વહેલી સવારે આશરે 4:30 વાગ્યે યુવક પોતાના પાન-બીડીના ગલ્લા પર પહોંચ્યા હતા. ત્યારબાદ સવારે આશરે 6 વાગ્યાના અરસામાં એક અજાણ્યો શખ્સ ગલ્લા પર આવ્યો હતો. આ શખસે યુવક સાથે ઝપાઝપી કરી હતી અને છૂટા હાથની મારામારી કર્યા બાદ આશરે રૂ. 15 હજારની કિંમતનો ઓપ્પો કંપનીનો મોબાઈલ ફોન બળજબરીથી છીનવી લીધો હતો. મોબાઈલ લૂંટ્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

તસ્કરને પકડવા યુવકે કર્યો પીછો

મોબાઈલ ફોન લૂંટીને ભાગી રહેલા શખસને પકડવા માટે મોબાઈલ લૂંટનો ભોગ બનેલા યુવકે દોડ લગાવી હતી. તેમની સાથે તીનબત્તી પાસે ચાની લારી ચલાવતા અન્ય એક વ્યક્તિએ પણ લૂંટારાનો પીછો કર્યો હતો. દરમિયાન અજાણ્યો શખસ મોટા સૈયદવાડા પાછળના રસ્તેથી ભાગી રહ્યો હતો. તેને પકડવાની દોડધામ વચ્ચે યુવકનો પગ લપસતાં તે  તલાવડીમાં પડી ગયો હતો.

તરતાં ન આવડતાં ઊંડા પાણીમાં ગરકાવ

તલાવડીમાં પડ્યા બાદ યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. યુવકને તરતાં આવડતું ન હતું અને શારીરિક મર્યાદાઓ હોવાના કારણે તે પાણીમાંથી બહાર નીકળી શકવામાં અસમર્થ રહ્યો હતો. પરિણામે પાણીમાં ડૂબી જવાથી તેનું કરુણ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. યુવકને તળાવમાંથી બહાર કાઢી સારવાર માટે ઠાસરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જોકે તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.

CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ તેજ

બીજી તરફ, ઘટનાને પગલે પોલીસે આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. જેમાં મોબાઈલ લૂંટીને ભાગતો શખ્સ અને તેની પાછળ પીછો કરતા યુવકની હિલચાલ સામે આવી હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મૃતકના પરિવારજનોએ ઠાસરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને લૂંટારાને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. માત્ર રૂ. 15 હજારની કિંમતના મોબાઈલ ફોનની લૂંટની ઘટનામાં યુવકનો જીવ જતાં ઠાસરા પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. એક મોબાઈલની લૂંટે આખા પરિવારને ક્યારેય ન પૂરાય તેવી ખોટ આપી છે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score