અમદાવાદ માં ગરીબ દર્દીઓના નામે ₹40 લાખના સર્જિકલ સાધનોની કથિત ઉચાપત! 8 ડોક્ટરો શંકા રૂપી તપાસના ઘેરામાં

By: Krunal Bhavsar
03 Nov, 2026

 

Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત SVP હોસ્પિટલમાં અંદાજે ₹39.78 લાખના સર્જિકલ સાધનોની કથિત ઉચાપતનો ગંભીર મામલો સામે આવ્યો છે. ગરીબ દર્દીઓના નામે સરકારી યોજનાઓ હેઠળ મળતા સાધનોનો દુરુપયોગ કરીને તેને ખાનગી બજારમાં વેચવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. આ મામલે આઠ રેસિડેન્ટ ડોક્ટરોની ભૂમિકા તપાસના ઘેરામાં આવી છે.

સિસ્ટમ ના દુરુપયોગ નો આક્ષેપ

મળતી માહિતી મુજબ હોસ્પિટલની હૉસ્પિટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ (Hospital Information System – HIS)નો દુરુપયોગ કરીને દર્દીઓના નામે સર્જિકલ સાધનો ઇશ્યૂ કરાવવામાં આવ્યા હોવાના આક્ષેપ છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અને અકસ્માત સહાય યોજના હેઠળ સાધનોની ફાળવણીમાં ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.

પાલડી બસ સ્ટેશન નજીક ડિલિવરીનો દાવો

કથિત ગેરરીતિમાં હોસ્પિટલમાંથી મેળવાયેલા મોંઘા સર્જિકલ સાધનો ખાનગી વ્યક્તિઓને વેચવામાં આવ્યા હોવાનો દાવો છે. અમદાવાદના પાલડી બસ સ્ટેશન નજીક સાધનોની ડિલિવરી થઈ હોવાની વિગતો પણ સામે આવી છે. આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

90 સર્જિકલ ડ્રેપ ઇશ્યૂ કરાવ્યાની વિગતો

આ મામલે આશરે 90 સર્જિકલ ડ્રેપ (Surgical Drapes) ઇશ્યૂ કરાવ્યાની વિગતો સામે આવી છે. દર્દીઓના નામ અને ઓળખનો ઉપયોગ કેવી રીતે થયો હતો, તેની તપાસ મહત્વપૂર્ણ બની છે.

છેલ્લા ચાર મહિના ના CCTV ફૂટેજ ની તાપસ

આપેલી વિગતો અનુસાર, સમગ્ર મામલાની તપાસ દરમિયાન હોસ્પિટલના ચાર મહિનાના CCTV ફૂટેજ તપાસવામાં આવ્યા છે. આઠ રેસિડેન્ટ ડોક્ટરોના લેખિત નિવેદનો પણ લેવામાં આવ્યા છે.

તપાસ સમિતિનો રિપોર્ટ ડીનને સુપરત

તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ ડીનને સુપરત કર્યો હોવાની માહિતી છે. જોકે રિપોર્ટનાં સત્તાવાર તારણો જાહેર થયાની પુષ્ટિ મળી નથી. હવે સાધનોની ફાળવણી, સ્ટોક રજિસ્ટર અને HIS એન્ટ્રીઓ વચ્ચેની વિગતોનું પરીક્ષણ મહત્વપૂર્ણ રહેશે. કથિત ઉચાપતમાં કોની કેટલી સંડોવણી છે અને કાયદેસરની કાર્યવાહી થશે કે કેમ, તે તપાસના અંતિમ તારણો બાદ સ્પષ્ટ થશે.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score