અમદાવાદ સહિત રાજ્ય ભરમાં ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છેકે, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આજથી આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.
એક તરફ ગરમીનો પ્રકોપ યથાવત છે, તો બીજી તરફ હળવા વરસાદની આગાહીને પગલે આગામી દિવસોમાં તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. નવરાત્રીના છેલ્લા નોરતાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીથી ખેલૈયાઓ ભીંજાઈ શકે છે.
2 સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા વરસાદ થઈ શકે વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ કહ્યું હતું કે, હવામાનની સિસ્ટમ અંગે વાત કરીએ તો દક્ષિણ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં દરિયાઈ સપાટીથી 1.5 કિલોમીટરની ઊંચાઈ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આ સિવાય દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં દરિયાઈ સપાટીથી 5.8 કિલોમીટર સુધી એક અન્ય સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે. જેના પ્રભાવથી 19 ઓક્ટોબર આસપાસ દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં એક હળવું દબાણ (લો પ્રેશર એરિયા) સર્જાવાની શક્યતા છે.
ન્યૂનતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં ‘આ સિવાય હાલ પૂરતું રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની સંભાવના છે. આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ કે ન્યૂનતમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. પવનની ગતિ અંગે ગુજરાતના દરિયાકાંઠા માટે માછીમારોને હાલ કોઈ ચેતવણી આપવામાં આવી નથી. જોકે ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમી પવનો અને દક્ષિણ ગુજરાતમાં ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાની શક્યતા છે.’
સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ, લોકોને ગરમીનો અનુભવ રાજ્યમાં હાલ તાપમાન સામાન્ય કરતાં વધુ નોંધાતાં લોકો અસહ્ય ગરમીનો અનુભવ કરી રહ્યા છે, જેમાં રાજકોટમાં સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધુ એટલે કે રાજ્યનું સૌથી ઊંચું 40.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું છે. આ સિવાય સુરેન્દ્રનગરમાં 39.3, ડીસામાં 38.7, ભુજમાં 38.6, જૂનાગઢમાં 38.4, નલિયામાં 38.2, સુરતમાં 37.5, વડોદરામાં 37.2, અમદાવાદમાં 37 અને ભાવનગરમાં 36.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું છે. તેમજ ગાંધીનગર, પોરબંદર, કંડલા, દમણ, દીવ, વેરાવળ, ઓખા અને દ્વારકા જેવા વિસ્તારોમાં તાપમાન 31.2 થી 36 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે નોંધાતાં સમગ્ર રાજ્યમાં પારો ઊંચકાયેલો રહ્યો છે.