કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપ મહિલા મોરચાનો ભારે હલ્લાબોલ! જાતીય સતામણીના આક્ષેપોને લઈ વિરોધ પ્રદર્શન

By: Nation Gujarat Team
10 Oct, 2026

રાજ્યના રાજકીય પાટનગર અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ બહાર આજે ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કોંગ્રેસના સાંસદ અને જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજાન સામે જાતીય સતામણીના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ, ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું.

અંજુબેન વેકરિયાની આગેવાનીમાં ધરણાં

ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા અંજુબેન વેકરિયાની અધ્યક્ષતા અને ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો રાજીવ ગાંધી ભવન સામે એકત્રિત થયા હતા:મહિલા મોરચાના કાર્યકરોએ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરી મહિલા સુરક્ષા મુદ્દે કોંગ્રેસના બેવડા ધોરણો હોવાનો આક્ષેપ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન મહિલા આગેવાનોએ માંગ કરી હતી કે મહિલાઓની ગરિમા સાથે ચેડાં કરનારા સાંસદ સામે કોંગ્રેસ હાઈકમાન્ડ તાત્કાલિક કડક શિસ્તભંગનાં પગલાં ભરે.

જેએનયુ પ્રોફેસર અને સાંસદ અંગોમચા બિમોલ અકોઈજાન પર શું છે આક્ષેપ?

પ્રાપ્ત વિગતો મુજબ, કોંગ્રેસના સાંસદ તેમજ જેએનયુના જાણીતા પ્રોફેસર અંગોમચા બિમોલ અકોઈજાન સામે જાતીય સતામણીના ગંભીર આક્ષેપો લાગ્યા છે. આ મુદ્દો રાષ્ટ્રીય સ્તરે ગાજ્યા બાદ હવે ગુજરાતમાં પણ તેનો ઉગ્ર રાજકીય પડઘો પડ્યો છે. ભાજપ મહિલા મોરચાએ આ મામલે આક્રમક વલણ અપનાવીને કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરવાનો પ્રયાસ કર્યો હતો.

રાજીવ ગાંધી ભવન બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત

ભાજપ મહિલા મોરચાના આક્રમક આંદોલન અને ઘેરાવના એલાનને પગલે પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક થઈ ગયું હતું.કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના કે ઘર્ષણ ટાળવા માટે પાલડી કોંગ્રેસ કાર્યાલય બહાર સ્થાનિક પોલીસ તેમજ મહિલા પોલીસ કર્મીઓનો વિશાળ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.પોલીસે કાર્યાલયના મુખ્ય દરવાજા પાસે બેરિકેડ્સ ગોઠવીને પ્રદર્શનકારીઓને આગળ વધતા અટકાવ્યા હતા.


Related Posts

Load more