ગુજરાતના દિગ્ગજ ક્રિકેટરને BCCIના ચીફ સિલેક્ટર બનવાની ઇચ્છા! સોશિયલ મીડિયા પોસ્ટે ચર્ચા જગાવી

By: Nation Gujarat Team
08 Oct, 2026

BCCI New Chief Selector Application : ટીમ ઇન્ડિયાના ચીફ સિલેક્ટર તરીકે અજીત અગરકરનો કાર્યકાળ પૂરો થતાં જ બોર્ડ દ્વારા નવા પસંદગીકારની શોધ શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) દ્વારા સિલેક્ટરના પદ માટે સત્તાવાર રીતે અરજીઓ મંગાવવામાં આવી છે, જેના કારણે ક્રિકેટ જગતમાં અનેક નામોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ BCCI ની સોશિયલ મીડિયા પોસ્ટ પર કરેલી એક મજાકિયા કોમેન્ટને કારણે આ ચર્ચા વધુ રસપ્રદ બની ગઈ છે.

રવિન્દ્ર જાડેજાની મજાકિયા કોમેન્ટ અને તેની હકીકત

વાસ્તવમાં, BCCI દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ચીફ સિલેક્ટરના ખાલી પદ માટે અરજી પ્રક્રિયા શરૂ થયાની માહિતી શેર કરવામાં આવી હતી. આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા રવિન્દ્ર જાડેજાએ હસતા-હસતા લખ્યું, ‘What the procedure?’ એટલે કે અરજી કરવાની પ્રક્રિયા શું છે? જાડેજાની આ કોમેન્ટ માત્ર એક મજાક હતી, પરંતુ નવા ચીફ સિલેક્ટરને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે તેમની આ કોમેન્ટ પર બધાનું ધ્યાન ખેંચાયું હતું.

નિયમાનુસાર જાડેજા લાયક નથી

જોકે, સવાલ એ થાય છે કે શું રવિન્દ્ર જાડેજા ખરેખર ચીફ સિલેક્ટર બની શકે છે? તો તેનો જવાબ સ્પષ્ટપણે ‘ના’ છે. BCCI ના નિયમો અનુસાર કોઈ પણ સક્રિય ક્રિકેટર પસંદગી સમિતિ કે કોઈ પણ પ્રશાસનિક પદ પર નિયુક્ત થઈ શકતો નથી. ચીફ સિલેક્ટર બનવા માટે ઉમેદવારનું તમામ પ્રકારના ક્રિકેટમાંથી ઓછામાં ઓછા 5 વર્ષ પહેલાં નિવૃત્ત થવું અનિવાર્ય છે. રવિન્દ્ર જાડેજાએ T20 વર્લ્ડ કપ 2024 પછી T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે, પરંતુ તેઓ હજુ પણ ટેસ્ટ અને વનડે ક્રિકેટ રમી રહ્યા છે. આ ઉપરાંત તેઓ IPL માં પણ સક્રિય છે, જેના કારણે વર્તમાન નિયમો મુજબ તેઓ આ પદ માટે યોગ્ય નથી.

અજીત અગરકરનો સફળ અને યાદગાર કાર્યકાળ

અજીત અગરકરે 2023 માં ચીફ સિલેક્ટરનું પદ સંભાળ્યું હતું અને તેમનો કાર્યકાળ ભારતીય ક્રિકેટ માટે અત્યંત સફળ સાબિત થયો હતો. તેમની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ સતત 3 આઈસીસી ટ્રોફી જીતનારી ભારતીય ટીમોની પસંદગી કરી હતી. ભારત અગરકરના કાર્યકાળ દરમિયાન T20 વર્લ્ડ કપ 2024, ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને T20 વર્લ્ડ કપ 2026 જીતવામાં સફળ રહ્યું હતું. આ ઉપરાંત, ભારતીય ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની ફાઇનલ સુધી પણ પહોંચી હતી. અગરકરના કાર્યકાળમાં ભારતે બે એશિયા કપ ખિતાબ અને બે એશિયન ગેમ્સ ગોલ્ડ મેડલ પણ જીત્યા હતા.


Related Posts

Load more