CTM બ્રિજ પર પુસ્તક લેવા જતી વિદ્યાર્થિની સહિત કુલ 4ના મોત

By: Nation Gujarat Team
24 Sep, 2026

Ahmedabad Road Accident: અમદાવાદના સીટીએમ બ્રિજ પર સર્જાયેલા એક કરુણ અકસ્માતમાં વસ્ત્રાલમાં રહેતી 17 વર્ષીય વિદ્યાર્થીની અદિતિ કુશ્વાહે પોતાનો જીવ ખોયો છે. ધોરણ 12માં અભ્યાસ કરતી અદિતિ જ્યારે પુસ્તક લેવા જઈ રહી હતી, ત્યારે એક અજાણ્યા વાહને તેને અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ સિવાય, શહેરમાં બનેલી અન્ય ત્રણ અકસ્માતની ઘટનાઓમાં પણ ત્રણ લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ, વસ્ત્રાલમાં રહેતી 17 વર્ષીય અદિતિ રવિસિંહ કુશ્વાહ ભાવના સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી હતી. ગત બુધવારે અદિતિ સંબંધીનું એક્ટિવા લઈને સીટીએમ ખાતે પુસ્તક લેવા માટે નીકળી હતી. ઘરેથી નીકળ્યાના 25 મિનિટમાં જ સીટીએમ બ્રિજ પર અજાણ્યા વાહને ટક્કર મારતા અદિતિ રોડ પર પટકાઈ હતી. તેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આ અંગે ‘I’ ડિવિઝન ટ્રાફિક પોલીસને જાણ કરાતાં પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી, બ્રિજની આસપાસના CCTV ફૂટેજ આધારે ચાલકની શોધખોળ શરૂ કરી છે.

અકસ્માતની અન્ય ઘટનાઓમાં, આસ્ટોડિયા દરવાજાથી ગીતા મંદિર ST સ્ટેન્ડ તરફ જતા રોડ પર રિક્ષાની અડફેટે એક અજાણ્યા વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જે અંગે ‘K’ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, કૃષ્ણનગરના વિજયપાર્ક બસ સ્ટેન્ડ પાસે પણ 50 વર્ષીય આધેડનું અકસ્માતમાં મોત થયું હતું. બીજી તરફ, કાંકરિયા વિસ્તારમાં રહેતા 68 વર્ષીય પ્રેમચંદભાઈ પરમાર કાગડાપીઠ T-પોઇન્ટ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે રિક્ષાની અડફેટે આવી જતાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.


Related Posts

Load more