ભારત સામેની T20 શ્રેણી માટે ન્યૂઝીલેન્ડની ટીમ જાહેર, ઘાતક બોલીંગ આક્રમણ જોવા મળશે

By: Nation Gujarat Team
23 Sep, 2026

IND VS NZ T20 SERIES: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 શ્રેણી 22 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ શ્રેણી માટે ન્યુઝીલેન્ડની ટીમની જાહેરાત કરવામાં આવી છે. સ્ટાર ખેલાડી રચિન રવિન્દ્ર ઈજાને કારણે સમગ્ર શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે ઝડપી બોલર એડમ મિલ્ને ટીમમાં વાપસી કરી છે. ભારતીય ટીમ આ શ્રેણી માટે ન્યુઝીલેન્ડનો પ્રવાસ કરશે. ન્યુઝીલેન્ડે આ T20 શ્રેણી માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

માઈકલ બ્રેસવેલ અને એડમ મિલ્નેની વાપસી

ન્યુઝીલેન્ડની 16 સભ્યોની T20 ટીમમાં એવા 13 ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ T20 વર્લ્ડ કપમાં રમ્યા હતા. આ ઉપરાંત, ઈજામાંથી સાજા થયા બાદ સ્પિન ઓલરાઉન્ડર માઈકલ બ્રેસવેલ અને ઝડપી બોલર એડમ મિલ્ન ટીમમાં પરત ફર્યા છે. બીજી તરફ, સ્ટાર ખેલાડી રચિન રવિન્દ્ર અને ઝડપી બોલર બેન સિયર્સ ઈજાને કારણે આ શ્રેણી માટે ઉપલબ્ધ નથી. બેવન જેકબ્સને મિડલ-ઓર્ડર બેટિંગ વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે; તેમણે અત્યાર સુધીમાં 11 T20I મેચ રમી છે અને તેમની છેલ્લી મેચમાં બાંગ્લાદેશ સામે શાનદાર અણનમ 62 રન બનાવ્યા હતા.

ઝડપી બોલર એડમ મિલ્ન લગભગ એક વર્ષ પછી તેમની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર છે. તેઓ પાંચ મેચની T20 શ્રેણી માટે એક મજબૂત પેસ આક્રમણમાં જોડાઈ રહ્યા છે, જેમાં લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, કાયલ જેમિસન, જેકબ ડફી, ઝેક ફોલ્ક્સ અને નાથન સ્મિથ જેવા બોલરોનો પણ સમાવેશ થાય છે. દરમિયાન, ઘૂંટીની ઈજાને કારણે બેન સિયર્સ બહાર છે. મિલ્ને તેમની છેલ્લી T20 મેચ જુલાઈ 2025માં દક્ષિણ આફ્રિકા સામે રમી હતી.

ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ T20 શ્રેણીનો શેડ્યુંલ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની T20 શ્રેણીની પ્રથમ મેચ 22 ઓક્ટોબરે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે, જ્યારે બીજી મેચ તે જ સ્થળે 24 ઓક્ટોબરે યોજાશે. ત્યારબાદ, ત્રીજી મેચ 27 ઓક્ટોબરે વેલિંગ્ટનમાં, ચોથી મેચ 30 ઓક્ટોબરે ઓકલેન્ડમાં અને અંતિમ T20 મેચ 1 નવેમ્બરે હેમિલ્ટનમાં યોજાશે. T20 શ્રેણીના સમાપન બાદ, બંને ટીમો વચ્ચે પાંચ મેચની ODI શ્રેણી 4 નવેમ્બરથી શરૂ થશે.

ન્યૂઝીલેન્ડની ટીમ: મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, ઝેક ફોલ્ક્સ, મેટ હેનરી, કાયલ જેમિસન, એડમ મિલ્ને, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સીફર્ટ અને નાથન સ્મિથ.


Related Posts

Load more