ખેડા જિલ્લામાં માર્ગ અકસ્માતની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. નડિયાદ-ઉત્તરસંડા રોડ પર કોંકરણ મંદિર નજીક ST બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. નોકરી માટે બાઈક પર નીકળેલા યુવકને રસ્તામાં જ કાળમુખો અકસ્માત નડ્યો હતો.
ખેડા જિલ્લાના નડિયાદ-ઉત્તરસંડા રોડ પર આજે બનેલી અકસ્માતની ઘટનાથી પંથકમાં ચકચાર મચી છે. કોંકરણ મંદિર નજીક નડિયાદથી ચકલાસી થઈ વિદ્યાનગર તરફ જઈ રહેલી ST બસ પસાર થઈ રહી હતી. દરમિયાન એક બાઈક બસની અડફેટે આવી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો.
અકસ્મતમાં બાઈક સવાર યુવકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાઓ એટલી ગંભીર હતી કે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસથી પસાર થઈ રહેલા લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
મૃતક યુવકની ઓળખ હેમીલ પંડ્યા તરીકે થઈ છે. તેઓ નડિયાદના રહેવાસી હતા અને નડિયાદમાં મારૂતિ સુઝુકીના સર્વિસ સેન્ટરમાં બોડી શોપ એડવાઈઝર તરીકે નોકરી કરતા હતા.
રોજિંદા સમયપત્રક મુજબ હેમીલ પંડ્યા પોતાના બાઈક પર નોકરી માટે નીકળ્યા હતા. પરંતુ નડિયાદ-ઉત્તરસંડા રોડ પર કોંકરણ મંદિર પાસે પહોંચતા જ તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા.
અકસ્મત બાદ ST બસ ઘટનાસ્થળે જ ઉભી રહી હતી. પ્રાથમિક માહિતી મુજબ બસના ડ્રાઈવર અને કંડક્ટર ઘટનાસ્થળેથી ચાલ્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત સ્થળનું નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે મૃતક યુવકના મૃતદેહને કબજામાં લઈ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અકસ્મતનું ચોક્કસ કારણ શું હતું, બસ અને બાઈક વચ્ચે ટક્કર કઈ રીતે થઈ તથા ડ્રાઈવર-કંડક્ટર ઘટનાસ્થળેથી કેમ ગયા તે સહિતના મુદ્દાઓને લઈને પોલીસ તપાસ કરી રહી છે.
હેમીલ પંડ્યાના મોતના સમાચાર મળતાં જ પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. નોકરી માટે ઘરેથી નીકળેલા યુવકનું અચાનક મોત થતાં પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે.
નડિયાદ-ઉત્તરસંડા રોડ પર બનેલી આ ઘટનાને પગલે માર્ગ પર થોડા સમય માટે લોકોની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.