અન્ન’ને આકાર આપ્યો મહાદેવનો: સુરતમાં 2000 કિલો શાકભાજીમાંથી 10 ફૂટનું શિવલિંગ, હવે ગૌશાળાની ગાયોને અપાશે

By: Nation Gujarat Team
06 Sep, 2026

Surat: મહાદેવની ભક્તિમાં ફૂલો કે ફળોનો શણગાર તો અનેક વખત જોવા મળે, પરંતુ સુરતમાં શ્રાવણની આસ્થાને જીવદયા સાથે જોડતી અનોખી પહેલ કરવામાં આવી છે. અડાજણના સત્ય સેવા જીવદયા ટ્રસ્ટે 2000 કિલો શાકભાજી અને લીલા-સૂકા ઘાસમાંથી 10 ફૂટ ઊંચું ભવ્ય શિવલિંગ તૈયાર કરીને ભક્તોને દર્શન કરાવ્યાં છે. દૂધી, ગાજર, રીંગણ, ટામેટા, બટાકા, કોબીજ અને કાકડી સહિતની શાકભાજીથી તૈયાર થયેલા આ શિવલિંગ પાછળની ભાવના માત્ર ભક્તિ પૂરતી નથી, પરંતુ અન્નના સદુપયોગ અને અબોલ જીવની સેવાનો સંદેશ પણ છે. છ કલાકની મહેનતથી તૈયાર કરાયેલા શિવલિંગના ત્રણ દિવસ સુધી દર્શન બાદ તેમાં વપરાયેલી શાકભાજીનો બગાડ કર્યા વિના ગૌશાળાની ગાયોને ભોજનરૂપે અર્પણ કરવામાં આવશે. આમ, જે અન્નને મહાદેવનું સ્વરૂપ આપી પૂજવામાં આવ્યું, એ જ અન્ન હવે ગૌમાતાના પેટમાં પહોંચશે અને ભક્તિને જીવદયાની સેવામાં પરિવર્તિત કરશે.

આ અનોખી પહેલ અડાજણ સ્થિત સત્ય સેવા જીવદયા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. ટ્રસ્ટના સેવકો દ્વારા સતત છ કલાકની મહેનત બાદ વિવિધ શાકભાજી અને ઘાસને ગોઠવીને શિવલિંગને આકાર આપવામાં આવ્યો હતો. આશરે 16 બાય 10 ફૂટના કદનું અને 10 ફૂટ ઊંચું આ શિવલિંગ તૈયાર કરવામાં આવ્યું હતું. ભક્તિ સાથે જીવદયા અને અન્નના સદુપયોગનો સંદેશ આપવાનો ટ્રસ્ટનો આ પ્રયાસ શ્રાવણની ઉજવણીને એક અલગ જ અર્થ આપી રહ્યો છે.

પાલ-ઉમરા બ્રિજ પાસે આવેલા ઓમ તાપ્તિ કુબેરેશ્વર મહાદેવ ખાતે 4થી 6 સપ્ટેમ્બર દરમિયાન આ શિવલિંગ ભક્તોના દર્શન માટે મૂકવામાં આવ્યું હતું. શ્રાવણ માસના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં ભક્તોએ અહીં પહોંચીને અનોખા શિવલિંગના દર્શન કર્યા હતા. શાકભાજીથી તૈયાર કરાયેલા શિવલિંગને જોવા માટે આવતા ભક્તોમાં પણ આ પહેલ અંગે ખાસ ઉત્સુકતા જોવા મળી હતી.

આ આયોજનની સૌથી વિશેષ વાત એ છે કે ધાર્મિક પ્રસંગ પૂર્ણ થયા બાદ શિવલિંગમાં વપરાયેલી શાકભાજીનો નિકાલ કરવામાં આવશે નહીં. 2000 કિલો જેટલી શાકભાજીને ગૌશાળામાં લઈ જઈ ગાયોને ભોજન તરીકે આપવામાં આવશે. એટલે કે જે શાકભાજીને ત્રણ દિવસ સુધી મહાદેવનું સ્વરૂપ આપી પૂજવામાં આવી, એ જ શાકભાજી હવે અબોલ જીવના પેટને ભરવામાં ઉપયોગી બનશે. આમ, ભક્તિ માંથી જીવદયા અને પૂજા માંથી સેવાનો સંદેશ આપતી આ પહેલ અન્નના સદુપયોગ નું પણ ઉત્તમ ઉદાહરણ બની છે.

મહાદેવના શણગારમાં સામાન્ય રીતે ફૂલ, બિલિપત્ર અને ફળોનો ઉપયોગ થતો હોય છે, પરંતુ અહીં દૂધી, ગાજર, રીંગણ, ટામેટા, બટાકા, કોબીજ અને કાકડી મહાદેવના શણગારનું માધ્યમ બની. વિવિધ રંગ અને આકારની શાકભાજીને કલાકોની મહેનતથી ગોઠવીને શિવલિંગને આકાર આપવામાં આવ્યો. ખાસ વાત એ રહી કે આ શણગાર માત્ર આંખોને ગમે તે પૂરતો નહોતો; દર્શન પૂર્ણ થયા બાદ એ જ શાકભાજી ગૌમાતાના આહાર માટે ઉપયોગમાં લેવાનો સંકલ્પ કરવામાં આવ્યો. એટલે અહીં શણગાર પણ અન્નનો અને અંતે એ અન્ન જીવદયાનો!


Related Posts

Load more