સાળંગપુરધામ: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ.પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રાવણ વદ આઠમના પાવન પર્વ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ગોકુળની થીમ આધારિત આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો.
તા. 4 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મંદિર પરિસરમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9થી બપોરે 12 વાગ્યા દરમિયાન મટકી ફોડ, કેક કટિંગ સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સાથે જ DJના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા અને રાસ-ગરબાની રમઝટ પણ બોલાવી હતી.
રાત્રિના સમયે પણ ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. રાત્રે 9 વાગ્યાથી રાસ-ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. યુવાનો સહિત ભક્તોએ ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવી શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.
મંદિર પરિસરને સુંદર ફૂલો અને આકર્ષક સજાવટથી શણગારવામાં આવ્યું હતું. ગોકુળની થીમ અને મંદિરની ભવ્ય સજાવટ ભક્તોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રાત્રિના 12 વાગ્યે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની પાવન ક્ષણે વિશેષ આરતી યોજાઈ હતી. આ આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. ‘નંદ ઘેર આનંદ ભયો’ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય બની ગયું હતું.
શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ સાળંગપુરધામ ખાતે પધારી શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શનનો લાભ લીધો હતો. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિ, આનંદ અને ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળ્યો હતો.