કંગના રનૌત વિરુદ્ધ હવે અરશદ વારસી મેદાને,ફિલ્મજ્ઞાન સાથેની મુલાકાતમાં ખુલાસો કર્યો

By: Nation Gujarat Team
30 Aug, 2026

Arshad Warsi Nepotism Statement : બોલિવૂડમાં વિતેલા કેટલાક વર્ષોથી નેપોટિઝમ એટલે કે સ્વજનપક્ષપાત પર સતત ચર્ચા ચાલી રહી છે. 2020 માં સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ આ મુદ્દાએ વધુ જોર પકડ્યું હતું. તાજેતરમાં ફિલ્મજ્ઞાન સાથેની મુલાકાતમાં પ્રખ્યાત અભિનેતા અરશદ વારસીએ આ મુદ્દા પર ખુલીને વાત કરી છે. તેમણે જણાવ્યું કે, તેઓ જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા ત્યારે ‘નેપોટિઝમ’ જેવો કોઈ શબ્દ કે ચર્ચા નહોતી. આ ચર્ચાની શરૂઆત કંગના રનૌતે કરી હતી અને તે જ સૌથી પહેલા આ વિચાર લઈને આવી હતી, જે બાદ આ વિષય સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

નેપોટિઝમથી મને કોઈ વાંધો નથી

અરશદ વારસીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેમને નેપોટિઝમથી કોઈ વાંધો કે તકલીફ નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિઝમ હોવા છતાં આખરે ટેલેન્ટ જ કામ આવે છે. તમારું કૌશલ્ય જ તમને લાંબા સમય સુધી ટકાવી રાખે છે અને આગળ લઈ જાય છે. તેમણે ઉમેર્યું કે, સ્ટાર કિડ્સ માટે પણ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવું સરળ નથી હોતું. તેમના પર લોકોની અપેક્ષાઓનું ભારે દબાણ હોય છે. દરેક વ્યક્તિ એવું વિચારે છે કે જો માતા-પિતા ઉત્કૃષ્ટ કલાકાર છે તો તેમના બાળકો પણ તેટલા જ કલાત્મક હશે.

પોતાના બાળકોના ભવિષ્ય અંગે વ્યક્ત કરી ચિંતા

અરશદ વારસીએ પોતાના બાળકો અંગે વાત કરતા કહ્યું કે, લોકો જ્યારે તેમને મળે છે ત્યારે એવી જ અપેક્ષા રાખે છે કે તેમના બાળકો પણ પિતા જેવા જ પ્રતિભાશાળી કલાકાર બનશે. લોકોની આ અપેક્ષાઓ તેમને ચિંતામાં મૂકે છે. તેમનું માનવું છે કે બાળકોનું વ્યક્તિત્વ પોતાના માતા-પિતા કરતાં તદ્દન અલગ હોઈ શકે છે. તેથી સ્ટાર કિડ્સ પર અનહદ દબાણ મૂકવું એ તેમની સાથે અન્યાય કરવા સમાન છે.

આઉટસાઇડર્સ અને સ્ટાર કિડ્સનો સંઘર્ષ

અભિનેતાએ સ્વીકાર્યું કે સ્ટાર કિડ્સને બહારના લોકોની સરખામણીએ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશવા માટે સહેલાઈથી કનેક્શન અને તકો મળી જાય છે, પરંતુ ત્યારબાદની તેમની સફર એક આઉટસાઇડર જેટલી જ મુશ્કેલ હોય છે. સફળતા મેળવવા અને દર્શકોના દિલ જીતવા માટે તેમણે સખત મહેનત અને પોતાની ક્ષમતા સાબિત કરવી જ પડે છે.


Related Posts

Load more