પોરબંદર: કુતિયાણા તાલુકાના ટીમ્બી નેસ માંથી પોરબંદર LCBએ ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડી આશરે 30 લીટર શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપી પાડ્યું છે. સાથે જ 75 કિલો સ્કીમ મિલ્ક પાઉડર અને પામોલીન તેલના 14 ડબ્બા સહિત દૂધમાં ભેળસેળ કરવા માટે વપરાતી સામગ્રી મળી આવી છે. ફૂડ સેફ્ટી વિભાગની ટીમે દૂધના સેમ્પલ લીધા બાદ સ્થળ પર જ શંકાસ્પદ દૂધનો નાશ કર્યો છે. આ ઘટનાથી જિલ્લામાં આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ટીમ્બી નેસ ગામના રબારીકેડા વિસ્તારમાં નકલી દૂધ બનાવવાના કારસાનો પોરબંદર LCBએ પર્દાફાશ કર્યો છે.
મળતી માહિતી મુજબ, ટીમ્બી નેસ ગામે જય માતાજી દૂધની ડેરી પાસે રહેતા સરમણ ગોગનભાઈ કોડીયાતર નામના વ્યક્તિ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં નકલી દૂધ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે LCBની ટીમે ગત મોડી રાત્રે તેના રહેણાંક મકાનમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઘરમાંથી આશરે 30 લીટર જેટલું શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ મળી આવ્યું હતું.
તપાસને આગળ વધારતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ઘરમાંથી દૂધમાં ભેળસેળ કરવા માટે વપરાતી શંકાસ્પદ સામગ્રીનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 25-25 કિલોના બે ભરેલા અને બે અડધી ભરેલી બોરીઓ મળી કુલ 75 કિલો સ્કીમ મિલ્ક પાઉડર જપ્ત કર્યો છે. સાથે જ પામોલીન તેલના 14 ડબ્બા પણ મળી આવ્યા છે.
પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે, સ્કીમ મિલ્ક પાઉડર અને પામોલીન તેલને પાણી સાથે ભેળવીને નકલી દૂધ બનાવવામાં આવતું હતું અને ત્યારબાદ તેને અસલી દૂધમાં ભેળવીને બજારમાં વેચવામાં આવતું હતું. આ રીતે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યા હતા.
સમગ્ર મામલે પોલીસે તાત્કાલિક ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ ફૂડ સેફ્ટી ઓફિસર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.અધિકારીઓએ શંકાસ્પદ દૂધના સેમ્પલ તપાસ માટે કબજે કર્યા હતા અને તેને લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. સેમ્પલ લીધા બાદ ફૂડ સેફ્ટી ટીમે સ્થળ પર જ આશરે 30 લીટર શંકાસ્પદ બનાવટી દૂધનો નાશ કર્યો હતો.
જ્યારે અન્ય સામગ્રી એટલે કે સ્કીમ મિલ્ક પાઉડર અને પામોલીન તેલના ડબ્બા કબજે કરી આરોપી સરમણ ગોગનભાઈ કોડીયાતર સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે તે કેટલા સમયથી આ પ્રવૃત્તિ કરતો હતો અને ક્યાં-ક્યાં દૂધ સપ્લાય કરતો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ પોરબંદર LCBએ નવા કુંભારવાડા વિસ્તારમાં બનાવટી ઘી બનાવવાની પ્રવૃત્તિ ઝડપી પાડી હતી. ત્યાં પણ ઘીના નામે ભેળસેળયુક્ત ચરબી વેચવામાં આવતી હતી. અગાઉ ઘી અને હવે દૂધ જેવી રોજિંદા જીવનની ખાદ્ય વસ્તુમાં ભેળસેળનો કારસો ઝડપાતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. LCBની સતત કાર્યવાહીથી આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હવે ફૂડ સેફ્ટી વિભાગનો રિપોર્ટ આવ્યા બાદ આ મામલે વધુ કડક કાર્યવાહી થવાની શક્યતા છે.
“ટીમ્બી નેસ માંથી નકલી દૂધ બનાવવાનો કારસો ઝડપાયો છે. બાતમીના આધારે દરોડો પાડતા 30 લીટર શંકાસ્પદ દૂધ, 75 કિલો મિલ્ક પાઉડર અને પામોલીન તેલના 14 ડબ્બા મળી આવ્યા. ફૂડ સેફ્ટી ટીમને બોલાવી સેમ્પલ લીધા છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.” -ઋતુ રાબા, DSP, પોરબંદર