“મૂર્તિ દૂધ પીવે છે, ફળમાં આકૃત્તિ દેખાય છે,” દશામાના વ્રત દરમિયાન અંધશ્રદ્ધા ન ફેલાવાય, વિજ્ઞાન જાથાની અપીલ; જયંત પંડ્યાએ શું કહ્યું?

By: Nation Gujarat Team
14 Aug, 2026
રાજકોટ: ગુજરાતમાં હાલ દશામાના વ્રત ચાલી રહ્યા છે. શ્રાવણ મહિનાના પ્રથમ 10 દિવસ દરમિયાન દશામાનું વ્રત કરવામાં આવે છે. આ દરમિયાન દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવવાના આક્ષેપો વચ્ચે વિજ્ઞાન જાથાના ડાયરેક્ટર જયંત પંડ્યાએ લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. જયંત પંડ્યાએ જણાવ્યું કે, લોકોની ધાર્મિક આસ્થા સામે વિજ્ઞાન જાથાને કોઈ વાંધો નથી, પરંતુ દશામાના નામે ચમત્કારના દાવા કરીને અંધશ્રદ્ધા ફેલાવવી કે લોકો પાસેથી નાણાં એકત્ર કરવા યોગ્ય નથી. આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાનમાં આવે તો તેની જાણ વિજ્ઞાન જાથાને કરવા તેમણે અપીલ કરી છે.

‘મૂર્તિ દૂધ પીવે છે, ફળમાં માતાજીની આકૃતિ દેખાય છે’ જેવા દાવા

જયંત પંડ્યાના જણાવ્યા મુજબ, દશામાના 10 દિવસના વ્રત દરમિયાન કેટલાક લોકો ચમત્કારના નામે વિવિધ દાવા કરતા હોવાના કિસ્સા સામે આવે છે. જેમાં મૂર્તિ દૂધ પીવે છે અથવા ફળમાં માતાજીની આકૃતિ દેખાય છે જેવા દાવાઓનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ પ્રકારના દાવાઓને લઈને લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે.

માતાજીના નામે નાણાં ઉઘરાવવાનો પણ આક્ષેપ

વિજ્ઞાન જાથાના જણાવ્યા મુજબ, કેટલાક લોકો માતાજીના નામે પત્રિકાઓ છપાવીને લોકોને ભેગા કરે છે અને બાધા-ટેક લેવડાવે છે. તેમજ લોકો પાસેથી જમણવાર કરાવવા અથવા અન્ય રીતે નાણાં એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવતા હોવાનો પણ જયંત પંડ્યાએ આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત, ‘માતાજીના નામે કાર્ય નહીં કરો તો અપમૃત્યુ થશે’ જેવા દાવા કરીને લોકોને ભયભીત કરવામાં આવતા હોવાનો પણ તેમણે વિરોધ કર્યો છે.

‘આસ્થા સામે વિરોધ નથી’

જયંત પંડ્યાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, વિજ્ઞાન જાથાનો હેતુ લોકોની ધાર્મિક આસ્થાનો વિરોધ કરવાનો નથી. પરંતુ ધાર્મિક આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવા કે આર્થિક રીતે નુકસાન પહોંચાડવું ન જોઈએ. તેમણે લોકોને અપીલ કરી છે કે, દશામાના વ્રત કે ધાર્મિક પ્રવૃત્તિ સામે કોઈ વિરોધ નથી, પરંતુ જો માતાજીના નામે અંધશ્રદ્ધા ફેલાવતી કોઈ પ્રવૃત્તિ જોવા મળે તો તેની જાણ વિજ્ઞાન જાથાને કરવામાં આવે.

Related Posts

Load more