BAPS NEWS : દિલ્હીના આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પર્યટનને નવી ઉડાન: અક્ષરધામથી CM રેખા ગુપ્તાએ 4 નવા ટૂરિઝમ સર્કિટનો કર્યો પ્રારંભ

By: Nation Gujarat Team
11 Aug, 2026

નવી દિલ્હી: દિલ્હીની સમૃદ્ધ આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતને વૈશ્વિક પર્યટનના નકશા પર વધુ મજબૂત સ્થાન અપાવવાના હેતુથી દિલ્હી સરકારે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાએ મંગળવારે અક્ષરધામ મંદિર પરિસરમાં ચાર નવા ટૂરિઝમ સર્કિટનો પ્રારંભ કર્યો હતો.

‘આધ્યાત્મિક અને વારસાગત પર્યટન સંમેલન-2026’ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમનું આયોજન દિલ્હી સરકારના પર્યટન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સંબંધિત મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, વરિષ્ઠ પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ રહી હતી. પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ સદ્ગુરુ શ્રી જગ્ગી વાસુદેવજીએ પણ સંમેલનમાં સહભાગી બની કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો.

સંમેલનના ભાગરૂપે અક્ષરધામ મંદિર પરિસરમાં વિશેષ  “હેરિટેજ વૉક’’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ વૉક દરમિયાન સહભાગીઓને દિલ્હીની સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સ્થાપત્ય વિરાસતની વિવિધ વિશેષતાઓથી પરિચિત કરાવવામાં આવ્યા હતા. અક્ષરધામની દિવ્ય અને પાવન ભૂમિ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો અને સહભાગીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

સદ્ગુરુ શ્રી જગ્ગી વાસુદેવજીએ અક્ષરધામ મંદિરના દર્શન કરી મંદિરની ભવ્યતા, આધ્યાત્મિકતા અને સ્થાપત્ય કળાની પ્રશંસા કરી હતી. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ અક્ષરધામ પરિસરની પવિત્રતા અને અહીં અનુભવાતી આધ્યાત્મિક શાંતિ વચ્ચે આ મહત્વપૂર્ણ પહેલનો પ્રારંભ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો.

કાર્યક્રમનો પ્રારંભ સવારે 10 વાગ્યે થયો હતો. દિલ્હી સરકારના પર્યટન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલા આ ચાર નવા સર્કિટમાં દિલ્હીનાં પ્રમુખ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો ઉપરાંત અત્યાર સુધી પર્યટનના નકશા પર ઓછાં ચર્ચાયેલા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્કિટનો મુખ્ય ઉદ્દેશ પ્રવાસીઓને એક જ પ્રવાસ દરમિયાન દિલ્હીની સમૃદ્ધ ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતનો સર્વાંગી અનુભવ કરાવવાનો છે.

આ નવા પર્યટન માર્ગોને વધુ લોકપ્રિય બનાવવા માટે 12 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ અને યુટ્યુબર્સને આ સર્કિટની મુલાકાત કરાવવામાં આવશે. મુલાકાત બાદ તેઓ આ રૂટ્સ સાથે સંકળાયેલા વીડિયો, રીલ્સ અને તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરશે. આ પહેલથી દિલ્હીના હેરિટેજ અને આધ્યાત્મિક પર્યટનને દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી પહોંચાડવામાં નોંધપાત્ર મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ફેબ્રુઆરી 2026માં દિલ્હી સરકારે ‘દિલ્હીની ધરોહર’, ‘દિલ્હીનું દિલ અને વિરાસત’, ‘દિલ્હીનું રહસ્ય’ અને ‘દિલ્હી જુઓ દિલથી’ નામે ચાર હેરિટેજ-કલ્ચરલ સર્કિટ શરૂ કર્યા હતા. સરકારના મતે આ સર્કિટ લોકપ્રિય બનવાથી સ્થાનિક ગાઇડ, પરિવહન સંચાલકો, રેસ્ટોરાં, વેપારીઓ તથા નાના અને મધ્યમ વ્યવસાયકારો માટે રોજગાર અને આર્થિક તકોમાં વધારો થશે. સાથે જ પ્રવાસીઓ દિલ્હીમાં વધુ સમય રોકાઈને શહેરની સમૃદ્ધ વિરાસત, સંસ્કૃતિ અને સ્થાપત્યને નજીકથી માણવા માટે પ્રેરિત થશે.

કાર્યક્રમનું સ્થળ અક્ષરધામ દિલ્હી શહેરની આધ્યાત્મિક અને સ્થાપત્ય વિરાસતનું જીવંત પ્રતિબિંબ છે. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા ‘વિશ્વનું સૌથી મોટું સંપૂર્ણ હિન્દુ મંદિર’ તરીકે માન્યતા પ્રાપ્ત અક્ષરધામ મંદિર ભારતની હજારો વર્ષ જૂની સાંસ્કૃતિક અને સ્થાપત્ય પરંપરા તેમજ ઉચ્ચ જીવનમૂલ્યોનો વિશ્વભરના મુલાકાતીઓને પરિચય કરાવી રહ્યું છે.

દિલ્હીના અક્ષરધામ સહિત વિશ્વભરમાં 1,800થી વધુ મંદિરો અને આધ્યાત્મિક કેન્દ્રોના નિર્માણમાં યોગદાન આપનાર બીએપીએસ સંસ્થાના વડા અને આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌના ઉત્કર્ષ, સુખાકારી, સુસ્વાસ્થ્ય અને નીતિમય જીવન માટે પ્રાર્થના કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમના આયોજન, સંકલન અને સુચારુ વ્યવસ્થાપનમાં અક્ષરધામના પ્રભારી સંત મુનિવત્સલ સ્વામીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી.

દિલ્હીની આધ્યાત્મિકતા, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ઐતિહાસિક વારસાને એક જ પ્રવાસન અનુભવ સાથે જોડતી આ પહેલથી દેશ-વિદેશના પ્રવાસીઓ માટે દિલ્હીની વિરાસતને વધુ નજીકથી જાણવાની અને માણવાની નવી તકો ઊભી થશે.


Related Posts

Load more