સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ભેળસેળિયા વેપારીઓ સામે સતત ત્રીજા દિવસે પણ કડક ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. મનપાની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના તમામ 9 ઝોન વિસ્તારમાં આવેલી 98 જેટલી ડેરીઓ, હોટેલો અને રેસ્ટોરન્ટ્સમાં અચાનક દરોડા પાડીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન સ્થળ પરથી 30 કિલો જેટલો વાસી અને અખાદ્ય ખાદ્યપદાર્થોનો જથ્થો જપ્ત કરી તેનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.
મનપા ફૂડ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહેલી આ વિશેષ ઝુંબેશ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં જ કુલ 412 જેટલી સંસ્થાઓ અને વેપારીઓ સામે આકરાં પગલાં ભરવામાં આવ્યા છે. આરોગ્યપ્રદ ધોરણો ન જાળવનાર અને ગુણવત્તા વગરનો સામાન વેચનારા એકમો સામે દંડકીય કાર્યવાહી કરવા સાથે નોટિસ પણ પાઠવવામાં આવી છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ સતત અને આક્રમક કામગીરીના કારણે અસુરક્ષિત ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
ફૂડ વિભાગની ટીમો દ્વારા છેલ્લા ત્રણ દિવસની બલિષ્ઠ કામગીરી દરમિયાન ભેળસેળયુક્ત તેમજ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવા કુલ 333 કિલો એનાલોગ ચીઝ, નકલી પનીર અને બટરનો જથ્થો જપ્ત કરી તેને કચરાડાંકમાં ફેંકીને નાશ કરવામાં આવ્યો છે. મનપા તંત્રએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે પ્રજાના સ્વાસ્થ્ય સાથે ખિલવાડ કરતા હોટેલ-રેસ્ટોરન્ટ કે ડેરી સંચાલકો સામે આગામી દિવસોમાં પણ આવી જ રીતે કડકમાં કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.